દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોટો જટકો લાગ્યો છે. રાઉઝ એવેન્યુ કોર્ટે સીબીઆઇ કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી 25 જુલાિ સુધી લંબાવી દીધી છે. કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી સાથે સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે.
આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થતા સીબીઆઇએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાર બાદ તેમની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે, મતલબ કે તેઓ 25 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે.
સીબીઆઇએ 26 જૂને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમને થોડા દિવસ સીબીઆઇ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. સીબીઆઇ તેમની સામે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે હજી સવારે જ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. પરંતુ તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.
આ કેસમાં ચીફ જસ્ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી બેંચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તેઓ CBI કસ્ટડીમાં છે. માત્ર ED કેસમાં તેમને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તેઓ હાલ જેલમાં જ રહેશે.