નેશનલ

Delhi coaching centre: પોલીસ બે થિયરી પર કામ કરી રહી છે

નવી દિલ્હીઃ દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં ચાલી રહેલા કૉચિંગ સેન્ટની લાયબ્રેરીમાં અચાનક પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીના મોતથી ખળભળાટ મચ્યો છે. સિવિલ સર્વિસિઝની તૈયારી માટે જાણીતા આ વિસ્તારમાંથી કેટલાય આઈએએસ અને આઈપીએસ પાસ થયા છે ત્યારે અહીં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન વધારે વિકટ બન્યો છે.

બેઝમેન્ટની લાયબ્રેરીમાં પાણી ભરાવાની ઘટના બાદ પોલીસ અલગ અલગ થિયરી પર કામ કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ બે થિયરી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

આ બેઝમેન્ટ મુખ્ય રસ્તાથી આઠ ફીટ નીચાણમાં આવેલું છે. કૉચિંગ સેન્ટરનો દરવાજો ભારે વરસાદને લીધે બંધ હતો અને વરસાદનું પાણી ન આવે તે માટે અહીં સ્ટીલનો એક શેડ બનાવવામાં આવ્યો છે.

પોલીસ વિભાગ અને ફાયર વિભાગના માનવા અનુસાર જ્યારે રસ્તા પરનું ધસમસતું પાણી બેઝમેન્ટમાં ઘુસી ગયું ત્યારે પાણીના પ્રવાહને લીધે સ્ટીલનો શેટ તૂટી ગયો અને પાણી એકસાથે અંદર ઘુસતા વિદ્યાર્થીઓ બહાર નીકળી ન શક્યા. આ સાથે બીજી એક એવી શક્યતા પર પણ પોલીસ વિચાર કરી રહી છે કે કોઈએ કાર બહાર કાઢવા ગેટ ખોલ્યો અને તેના લીધે રસ્તાનું પાણી એકસાથે બેઝમેન્ટમાં ઘુસી ગયું જે વિદ્યાર્થીઓના મોતનું કારણ બન્યું.

આ પણ વાંચો: Delhi IAS Coaching Centre: દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી

દેશની રાજધાનીમાં રવિવારે બનેલી આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે અને એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે. કૉચિંગ ક્લાસ મોટેભાગે ઉપરના ફ્લોર પર જ ચાલતા હોય છે ત્યારે બેઝમેન્ટમાં પરમિશન કેમ આપવામાં આવી તેવા સવાલો પણ થઈ રહ્યા છે.

દિલ્હીની ઘટનાએ સુરત કૉચિંગ ક્લાસની યાદ અપાવી

દિલ્હીમાં હાલમાં કૉચિંગ ક્લાસની સુરક્ષાનો પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે અને બેઝમેન્ટમાં પરવાનગી બાબતે વિવાદ થયો છે, પરંતુ આ ઘટનાએ ગુજરાતના સુરતના કૉચિંગ ક્લાસની યાદ અપાવી દીધી છે. સુરતમાં પાંચ વર્ષ પહેલા કૉચિંગ ક્લાસમાં લાગેલી આગની ઘટનામાં 22 કિશોર-યુવાન હોમાઈ ગયા હતા. તક્ષશીલા બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ જીવ બચાવવા ચોથા માળેથી કૂદતા વિદ્યાર્થીના વીડિયોએ સૌને ધ્રુજાવી દીધા હતા.

આથી સવાલ માળ કરતા ઈમારતમાં આવી સ્થિતિ સર્જાય તો બચાવ માટે વ્યવસ્થા છે કે નહીં અને વિદ્યાર્થીઓને આવી આપત્તીમાંથી કઈ રીતે બહાર આવવું તે શિખવાડવાનું પણ જરૂરી છે. આ સાથે આ પ્રકારના સંસાધનો વિનાના ક્લાસિસને પરવાનગી આપનારા અથવા તો પરવાનગી વિનાના ક્લાસિસ ચલાવનારા પર કાયદો સખત કડકાઈથી કામ કરે તે વધારે જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button