દિલ્હી CM પર હુમલો: આરોપીના 5 પરિચિતની પૂછપરછ, કનેક્શન શોધમાં પોલીસ | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી CM પર હુમલો: આરોપીના 5 પરિચિતની પૂછપરછ, કનેક્શન શોધમાં પોલીસ

નવી દિલ્હી/રાજકોટઃ દિલ્હી પોલીસની એક ટીમે આજે ગુજરાતના રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર કથિત રીતે હુમલો કરવા બદલ ધરપકડ કરાયેલા સ્થાનિક રહેવાસી રાજેશ સાકરિયા સાથે સંકળાયેલા પાંચ લોકોની પૂછપરછ કરી હતી. રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય રાજેશ સાકરિયાએ 20 ઓગસ્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન પર હુમલો કર્યો હતો. હત્યાના પ્રયાસના આરોપસર દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે રિક્ષાચાલક સાકરિયા શ્વાનપ્રેમી હતો અને સુપ્રીમ કોર્ટના દિલ્હીમાં રખડતા શ્વાનોને પકડીને આશ્રયગૃહમાં રાખવાના તાજેતરના આદેશથી નારાજ હતો. રાજકોટના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-2), જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે, તેના દિલ્હી પ્રવાસ દરમિયાન, સાકરિયા ઘરે પાંચ લોકોના સંપર્કમાં હતો, જેમાં એક રિક્ષાચાલક પણ સામેલ હતો, જેણે ગૂગલ પે દ્વારા સાકરિયાને ₹ 2,000 મોકલ્યા હતા. ટીમ પૂછપરછ બાદ રવાના થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Video: રાજકોટના હુમલાખોરે આગલા દિવસે CMના નિવાસની રેકી કરી હતી; કાવતરું હોવાની શંકા

ડીસીપીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે પૂછપરછ બાદ કોઈની ધરપકડ કે અટકાયત કરી નથી, પરંતુ તેઓએ સાકરિયાને પૈસા ટ્રાન્સફર કરનાર રિક્ષાચાલકને નોટિસ પાઠવી છે અને તેને વધુ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું.

રાજકોટ પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં જાણ્યું છે કે રખડતા શ્વાનો પરના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે સાકરિયા 19 ઑગસ્ટના રોજ ઉજ્જૈન થઈને દિલ્હી ગયો હતો.તેની માતા ભાનુબેને પણ તેના શ્વાનપ્રેમની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તે દિલ્હીમાં રખડતા શ્વાનો અંગેના તાજેતરના સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજ હતો.

દિલ્હી પોલીસ દ્વારા તેની ધરપકડ પહેલા સાકરિયા વિરુદ્ધ 2017 અને 2024 વચ્ચે ભક્તિનગર પોલીસ સ્ટેશન (રાજકોટમાં)માં પાંચ FIR નોંધવામાં આવી હતી, જેમાં મોટાભાગના કેસ હુમલો અને દારૂના કબજાને લગતા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button