‘અસત્ય અને અન્યાયની જીત થશે…’ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીનો બફાટ
દિલ્હી: મુખ્ય પ્રધાન આતિશી માર્લેના (Delhi CM Atishi Marlena) ગઈ કાલે દસેરા નિમિતે આઈપી એક્સટેન્શન ખાતે આયોજિત રામલીલામાં ભાગ લીધો હતો. આ પહેલા આતિશીએ પણ મંચ પરથી સંબોધન કર્યું હતું, આ દરમિયાન આતિશીની જીભ લપસી હતી. આતિશીએ સંબોધનમાં કહ્યું અસત્યની હંમેશા જીત થાય છે, અન્યાયની હંમેશા જીત થાય છે. આતિશીના બફાટનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને ભાજપ આપ અને આતિશી પર પ્રહાર કરી રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ સોશિયલ મીડિયા X પર વીડિયો શેર કરતા લખ્યું, ‘આજે વિજયાદશમી છે; અને સમગ્ર દેશ અસત્ય અને અન્યાય પર સત્ય અને ન્યાયની જીતની ઉજવણી કરી રહ્યો છે. એક તરફ, સમગ્ર દિલ્હી આમ આદમી પાર્ટીના વિધર્મી અને ભ્રષ્ટ ચારિત્ર્યથી વાકેફ છે અને બીજી તરફ મુખ્ય પ્રધાન આતિષીનું નિવેદન કે અસત્ય હંમેશા જીતશે અને અન્યાય હંમેશા જીતશે.”
તેમણે કહ્યું કે, “તેમની સંપૂર્ણ ભ્રષ્ટ માનસિકતાનું ખુલ્લું પ્રદર્શન છે અને હિંદુ સમુદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ પ્રયાસ છે. આમ આદમી પાર્ટી અને આતિષીએ હિંદુઓની લાગણી દુભાવવા બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ; AAPના મુખ્ય પ્રધાનના મંતવ્યો જોઈને દિલ્હીના સામાન્ય લોકોએ તેમને સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે.”
દિલ્હીમાં દશેરાના અવસર પર વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આપ નેતા અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ અલગ-અલગ જગ્યાએ આયોજીત રામલીલામાં હાજરી આપી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાને આઈપી એક્સટેન્શનની રામલીલામાં ભાગ લીધો હતો. આ પહેલા આતિશીએ પણ મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે અસત્ય ગમે તેટલું મજબૂત, ઉગ્ર કે શક્તિશાળી હોય, આખરે જીત સત્યની જ થાય છે, ભગવાન શ્રી રામની જીત થાય છે.