Supreme court: હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી જવાબ માંગ્યો

દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેલમાં બંધ દિલ્હીનાના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આજે પણ સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપી ન હતી. તેમની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને તાત્કાલિક રાહત આપી ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે EDને નોટિસ પાઠવી છે. કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે તેમણે જેલમુક્ત કરવાની માંગ પણ કોર્ટ સમક્ષ મૂકી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 29મી એપ્રિલે થશે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે EDને 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટ આ મામલે 29 એપ્રિલે ફરી સુનાવણી કરશે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને અગાઉ તેમની 15 એપ્રિલ સુધીની જ્યુડીશીયલ કસ્ટડી મંજુર કરવામાં આવી હતી.