નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે કેજરીવાલ તિહાર જેલમાં જ રહેશે.
કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી આજે એટલે કે 1 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી. આ પછી કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ આજે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ માગ્યા ન હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જણાવ્યું હતું. EDએ કોર્ટને કહ્યું કે જો જરૂર પડશે તો તે પછી રિમાન્ડ લેશે.
તેમની માગણી કોર્ટે સ્વીકારી હતી. EDએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલે ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ આપ્યા નથી. કેજરીવાલનું વર્તન અસહકારભર્યું રહ્યું છે અને તેઓ મોટાભાગના પ્રશ્નોના અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે. આજની સુનાવણી દરમિયાન કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ પણ હાજર રહી હતી.
ગયા અઠવાડિયે એટલે કે 28 માર્ચે કોર્ટે કથિત દારૂ એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની-લોન્ડરિંગ કેસના સંબંધમાં દિલ્હીના મુખ્ય પ્રધાનના રિમાન્ડ ચાર દિવસ માટે એટલે કે 1 એપ્રિલ સુધી લંબાવ્યા હતા.
એમ જાણવા મળ્યું છે કે કેજરીવાલ માટે તિહારની જેલ નંબર 5ને સેનિટાઈઝ કરવામાં આવી છે.તેમને અહીં રાખવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી કારણ કે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ચાર્જશીટમાં તેમના નામનો ઘણી વાર ઉલ્લેખ છે. તેમના પર તરફેણના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી કિકબેક મેળવવાનો આરોપ છે. EDએ તેમના પર હવે રદ કરાયેલી નીતિમાં “કિંગપિન અને મુખ્ય કાવતરાખોર” હોવાનો પણ આરોપ મૂક્યો છે. આ કેસના સંબંધમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત ઘણા AAP નેતાઓની પહેલેથી જ ધરપકડ કરી છે.
કેજરીવાલે આરોપોને નકારી કાઢ્યા છે અને ભાજપના નેતૃત્વ હેઠળના કેન્દ્ર પર “રાજકીય હેતુઓ માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને