નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં સુધી જનતા તેનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્ય પ્રધાન પદની ખુરશી પર નહીં બેસું. હું દરેક ઘર અને શેરીઓમાં જઈશ અને લોકોને જણાવીશ કે કેજરીવાલ પ્રમાણિક છે.
કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે, ભગતસિંહને અંગ્રેજોએ બટુકેશ્વર દત્ત સાથે રાખ્યા હતા કારણકે બંને એક જ ગુનાના આરોપી હતા, પરંતુ મને અને મનીષ સિસોદિયાને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા હતા. સંદીપ પાઠક જ્યારે મને મળવા આવ્યા અને અમે રાજકારણની ચર્ચા કરી તો તેમના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કેજરીવાલે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તેઓએ નવી ફોર્મ્યુલા બનાવી છે, જેમાં તેઓ ચૂંટણી હારે ત્યારે નકલી કેસ દાખલ કરીને મુખ્ય પ્રધાનની ધરપકડ કરે છે અને તેમની સરકારને ઉથલાવી દેવાનું કાવતરું કરે છેસ તેમણે સિદ્ધરામૈયા, પિનરાઈ વિજયન, મમતા દીદી સામે કેસ દાખલ કરેલો છે તેઓ એક પણ વિપક્ષી મુખ્ય પ્રધાનને છોડતા નથી. તેઓ દરેક સામે ખોટા કેસ કરે છે, તેમને જેલમાં નાખે છે અને તેમની સરકારને તોડે છે
કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે તેમણે જેલમાં રહીને રાજીનામું આપ્યું ન હતું, કારણ કે તેઓ લોકશાહીને બચાવવા માંગતા હતા. ભાજપ આજે પાર્ટીઓ તોડવાનું રાજકારણ કરી રહી છે અને ચૂંટાયેલી સરકારના નેતાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી રહી છે, પરંતુ ભાજપની આ યોજના નિષ્ફળ ગઈ છે. તેમણે દરેક નેતાઓને ખોટા કેસોને કારણે રાજીનામું ન આપવાની પણ અપીલ કરી છે.
આ પ્રસંગે ઉપસ્થિત દિલ્હીના પૂર્વ ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપ તેમની આખી પાર્ટીને ખતમ કરવાનું દેશનું સૌથી મોટું રાજકીય કાવતરું ઘડી રહ્યું છે, પણ જો તમે સત્યના માર્ગ પર ચાલી રહ્યા છો અને ભગવાનના માર્ગ પર ચાલી રહ્યા છો ત્યારે ભગવાનની શક્તિ તમારી સાથે જ હોય છે.