Delhi માં પ્રથમ કેબીનેટ બેઠક પૂર્ણ, મંત્રીઓને વિભાગ ફાળવાયા, લેવાયા આ નિર્ણય

નવી દિલ્હી : દિલ્હીના(Delhi)મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મોડી સાંજે કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તમામ 6 કેબિનેટ મંત્રીઓને વિભાગો ફાળવ્યા છે. રેખા ગુપ્તાએ સામાન્ય વહીવટ, સેવાઓ, નાણાં, મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, જમીન અને મકાન, જનસંપર્ક, તકેદારી અને વહીવટી સુધારા વિભાગો પોતાની પાસે રાખ્યા છે.
જયારે નાયબ મુખ્ય મંત્રી પરવેશ વર્માને જાહેર બાંધકામ વિભાગ, વિધાનસભા બાબતો, સિંચાઈ, પૂર નિયંત્રણ, પાણી, ગુરુદ્વારા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
અન્ય મંત્રી આશિષ સૂદને ગૃહ, વીજળી, શહેરી વિકાસ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, તાલીમ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
આપણ વાંચો: Delhi ના મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ
મંત્રી મનજિંદર સિંહ સિરસાને ઉદ્યોગ, ખાદ્ય અને નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ અને આયોજન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે મંત્રી રવિન્દ્ર સિંહ ઇન્દ્રજને સમાજ કલ્યાણ, એસસી અને એસટી કલ્યાણ, સહકારી વિભાગનો હવાલો આપવામા આવ્યો છે.
મંત્રી કપિલ મિશ્રાને કાયદો અને ન્યાય, શ્રમ અને રોજગાર, વિકાસ, કલા અને સંસ્કૃતિ, ભાષા અને પર્યટન વિભાગોનો હવાલો આપવામા આવ્યો છે
મંત્રી પંકજ કુમાર સિંહને આરોગ્ય, પરિવહન, માહિતી ટેકનોલોજી વિભાગનો હવાલો આપવામા આવ્યો છે. પંકજ સિંહ પોતે વ્યવસાયે ડોક્ટર છે.
આપણ વાંચો: Delhi ના સીએમ રેખા ગુપ્તાએ મંત્રીમંડળ સાથે યમુના નદીના વાસુદેવ ઘાટ પર કરી આરતી અને પૂજા
આયુષ્માન ભારત યોજના અને કેગ રિપોર્ટ અંગે નિર્ણય
દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ પ્રથમ કેબિનેટ બેઠક બાદ જણાવ્યું છે કે, દિલ્હીમાં રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં CAG રિપોર્ટ પસાર કરવામાં આવ્યો છે જેથી તેને ગૃહમાં રજૂ કરી શકાય. આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન 14 CAG રિપોર્ટ હજુ સુધી ગૃહમાં રજૂ કરવામાં આવ્યા નથી.
આયુષ્માન ભારત યોજના લાગુ કરવાની પણ વાત થઈ છે. આ સાથે એવી માહિતી આપવામાં આવી છે કે આવતા અઠવાડિયે દિલ્હી વિધાનસભાનું સત્ર યોજાશે. સીએમ રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે, અમે લોકોને આપેલા વચનો પૂરા કરીશું.