Delhi ના બજેટમાં થશે આ મોટી જાહેરાતો, સીએમ રેખા ગુપ્તાએ આપ્યા સંકેત

નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભાનું બજેટ સત્ર સોમવારથી શરૂ થવાનું છે. જેમાં સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વમાં ભાજપ સરકાર વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાશે. આ બજેટમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ, શિક્ષણ અને આરોગ્ય સંભાળ, સુધારેલ માળખાગત સુવિધાઓ, પ્રદૂષણ નિયંત્રણ અને ડ્રેનેજ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર 24 થી 28 માર્ચ સુધી ચાલશે. જેમાં બજેટ 25 માર્ચે રજૂ કરવામાં આવશે. સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારે બજેટ તૈયાર કરવા માટે સમાજના વિવિધ વર્ગો, જેમાં વ્યાવસાયિકો પણ સામેલ છે. તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત ઇમેઇલ દ્વારા 3,303 સૂચનો અને વોટ્સએપ દ્વારા 6,982 સૂચનો પ્રાપ્ત થયા હતા.
બજેટ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર સોમવારથી ખીર સમારોહ સાથે શરૂ થશે. આ અંગે મુખ્યમંત્રીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બજેટ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને રોજગાર સર્જન માટે જોગવાઈઓ કરાશે. તેમણે કહ્યું કે દિલ્હીની ભાજપ સરકાર સુનિશ્ચિત કરશે કે બજેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત દિલ્હીના સ્વપ્નને પૂર્ણ કરે.
27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી
દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકો મળી હતી. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે.