દિલ્હીમાં મધરાતે થયો વિચિત્ર અકસ્માત, ક્રેનની ટક્કરમાં પુલનો એક ભાગ ધરાશાયી
નવી દિલ્હીઃ અહીંના પૂર્વ જિલ્લાના લક્ષ્મી નગર વિસ્તારમાં એક મોટી ક્રેન પસાર થવાને કારણે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડ્યો છે. અકસ્માત રવિવારે રાત્રે 12.00 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. લક્ષ્મીનગર પુસ્તા રોડ પરથી એક ક્રેન પસાર થઈ રહી હતી. ક્રેનનો ઉપરનો ભાગ ફૂટ ઓવર બ્રિજ સાથે અથડાયો હતો. જેના કારણે ફૂટ ઓવર બ્રિજનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. અકસ્માત સમયે કેટલાક લોકો ફૂટ ઓવર બ્રિજની ઉપર અને નીચે સૂઈ રહ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો. આ કેસમાં ક્રેન ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર રાતના 12:34 વાગ્યે લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનને પીસીઆર કોલ આવ્યો કે લલિતા પાર્ક પાસે ફૂટઓવર બ્રિજ રોડ પર તૂટી પડ્યો છે. કોલ મળતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે એક મોટું ટ્રેલર (નંબર PB 13BC 1354 )અક્ષરધામ મંદિર પાસે ક્રેન લોડ કરીને ગીતા કોલોની પુસ્તા રોડથી, દિલ્હી લઈ જવામાં આવી રહ્યું હતું.
રવિવારે રાતના લગભગ 12:30 વાગ્યે જ્યારે ટ્રેલર ટ્રક લલિતા પાર્ક ફૂટઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી, ત્યારે લોડેડ ક્રેન બ્રિજ સાથે અથડાઈ હતી. જેના કારણે પુલનો એક ભાગ નીચે રોડ પર પડી ગયો હતો અને એક તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
અહીં નાળિયેરની દુકાન ચલાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને ખબર પડી હતી કે રાતના સમયે ત્યાંથી પસાર થતી ક્રેન સાથે અથડાવાને કારણે ફૂટઓવર બ્રિજનો અડધો ભાગ તૂટી પડ્યો હતો. રાત્રીનો સમય હોવાથી આ રોડ પર બહુ ટ્રાફિક નહોતો. જેના કારણે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. માહિતી મળતાં જ પીડબલ્યુડીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બ્રિજના પડી ગયેલા ભાગને ક્રેન વડે ઉપાડીને બાજુમાં મૂક્યો હતો. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો નહોતો.