દિલ્હી બોમ્બ બ્લાસ્ટ: સુસાઈડ બોમ્બર ઉમરનો વીડિયો વાયરલ; હુમલા પહેલા કહી હતી આ વાત

મુંબઈ: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતાં, આ આત્મઘાતી હુમલાની ગંભીરતાથી સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરનાર મુખ્ય આરોપી ડૉક્ટર ઉમર ઉન નબીનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે સુસાઈડ બોમ્બિંગ વિષે વાત કરી રહ્યો છે.
વિડીયોમાં જોવા મળે છે કે ઉમર નબી એક રૂમમાં બેઠેલો છે અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવા અંગે વિચાર અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરી રહ્યો છે. વિડીયોમાં તે કહી રહ્યો છે આવા હુમલાઓ માટે સામાન્ય રીતે વપરાતા શબ્દને ઘણીવાર ખોટી રીતે સમજવામાં આવે છે, અને તેનાથી ઘણા વિરોધાભાસ અને વાંધાઓ ઉભા થયા છે.
10 નવેમ્બરના રોજ સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા સ્ટેશન પાસે આવેલા ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઈ i20 કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) રવિવારે પહેલી વાર નબીને “સુસાઈડ બોમ્બર” ગણાવ્યો હતો. વિસ્ફોટ મામલે NIA એ ગઈ કાલે નબીના સાથી જસીર બિલાલ વાનીની ધરપકડ કરી હતી, જેના એક દિવસ બાદ આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ઉમરે બિલાલનું બ્રેનવોશ કર્યું હતું અને સમગ્ર ભારતમાં સંખ્યાબંધ આત્મઘાતી હુમલા કરવા માટે એક વર્ષથી વધુ સમયથી યોજના બનાવી રહ્યો હતો.
આ પણ વાંચો…દિલ્હી બોમ્બ બ્લાસ્ટના તાર ગુજરાત સુધી પહોંચ્યા! વિસ્ફોટક ગુજરાતમાંથી સપ્લાય થયાની શંકા



