નેશનલ

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસને એક મહિનો પૂરો થયો, એનઆઈએની તપાસ ક્યાં પહોંચી?

નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના આંતકવાદી હુમલાના કેસમાં મહત્વની અપડેટ પ્રકાશમાં આવી છે. સ્પેશિયલ એનઆઈએ કોર્ટે આજે દિલ્હી બ્લાસ્ટ કેસના બે મુખ્ય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં છે. દિલ્હી કાર બ્લાસ્ટના મુખ્ય આરોપી આમિર રાશિદ અલી અને જસીર બિલાલ વાલી ઉર્ફે દાનિશની એનઆઈએની કસ્ટડી પૂર્ણ થઈ હોવાથી પટિયાલા હાઉટ કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે તેમને 14 દિવસ કસ્ટડી આપી હતી. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ચર્ચા હજી પણ થઈ રહી છે. કારણ કે, આ બ્લાસ્ટમાં નિર્દોષ લોકોનો જીવ ગયાં હતાં.

એનઆઈએ નાસીર મલ્લાની પણ ધરપકડ કરી લીધી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ નાસીર મલ્લાની પણ ધરપકડ કરી છે. આરોપીને એનઆઈએ દ્વારા ગઈ કાલે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે નાસીર મલ્લાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. હવે આગામી સાત દિવસ સુધી એનઆઈએ દ્વારા નાસિર સાથે પૂછપરછ કરવામાં આવશે, જેથી નાસિર સાથે જોડાયેલા બીજા આરોપીની શોધ કરી શકાશે. દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

10 નવેમ્બરે લાલ કિલ્લા નજીક આતંકીવાદીએ બ્લાસ્ટ કર્યો

દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને આજે એક મહિનો થઈ ગયો છે. ઘટનાને એક મહિનો થઈ ગયો હોવા છતાં પણ આ કેસમાં મુખ્ય ટ્રાયલ હજુ કોર્ટમાં શરૂ થયો નથી. આખરે આટલી વાર શા માટે લાગી રહી છે? દિલ્હી બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયાં હતા, જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. આ કેસમાં પહેલા દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. 18 નવેમ્બરે ગૃહ મંત્રાલય દ્વારા આ તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી હતી. એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવા છતાં પણ મુખ્ય ટ્રાયલ હજુ કોર્ટમાં શરૂ થયો નથી તે ચર્ચાનો વિષય છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપી ઝડપાયા

કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ દ્વારા સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ દરેક આરોપીને એનઆઈએ દ્વારા પોતાની કસ્ટડીમાં રાખવામાં આવેલા છે, તેમની સાથે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક મહિનો થઈ ગયો છે પરંતુ હજી માત્ર પટિયાલા હાઉસ કોર્ટમાં રિમાન્ડ અને આરોપીઓના જામીન પર જ સુનાવણી થઈ રહી છે, કેસ તેનાથી આગળ વધી જ નથી રહ્યો છે. હજી સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી.

ઈન્ટરનેશનલ કનેક્શનની પણ તપાસ ચાલુ

સૂત્રો દ્વારા એવું જાણવા મલ્યું છે કે આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ કરવામાં આવી રહી હોવાના કારણે કેસમાં આટલો સમય લાગી રહ્યો છે. જ્યારે વકીલોનું કહેવું છે કે, હજી પણ ચાર્જશીટ દાખલ કરવામાં સમય લાગી શકે છે.
કાયદા પ્રમાણે ઘટના બન્યાના 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. જેથી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં સુરક્ષા એજન્સી પાસે હજી પણ 2 મહિનાનો સમય બાકી છે. આ કેસમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button