દિલ્હી બોમ્બ વિસ્ફોટના આતંકીઓ સામે અમિત શાહે કરી લાલ આંખ: આપી ચેતવણી

નવી દિલ્હી, મહેસાણા: રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી હુમલાથી સમગ્ર દેશવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. દેશમાં ભયનો માહોલ ઉભો કરનાર આતંકવાદીઓને આજે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણી બીજા કોઈએ નહીં, પરંતુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવી છે. આવો જાણીએ, ગૃહ પ્રધાન અમિત શાહે શું કહ્યું છે.
આતંકીઓ ફરીથી હુમલો કરવાની હિંમત નહીં કરે
નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહે આજે મહેસાણા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, “આ કાયરતાપૂર્ણ કૃત્ય પાછળના ગુનેગારોને કડક સજા કરવામાં આવશે, જેથી સમગ્ર દુનિયા જોઈ શકે. આ કાર્યવાહીથી વિશ્વને એક મજબૂત સંદેશ મળશે કે કોઈ પણ ભારત પર ફરીથી હુમલો કરવાની હિંમત કરશે નહીં.”
આતંકીઓને સજા કરવાનો પીએમ મોદીનો સંકલ્પ
ગૃહ પ્રધાને આગળ જણાવ્યું હતું કે, “જે લોકોએ આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને તેની પાછળ રહેલા લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને સજા આપવામાં આવશે. ભારત સરકાર અને ગૃહ મંત્રાલય આ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
તેમણે ઉમેર્યું કે, “આ કાર બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કડક સજા અપાવવાનો પીએમ મોદીનો સંકલ્પ ચોક્કસપણે પૂર્ણ થશે. પીએમના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં આતંકવાદ સામે ભારતની લડાઈને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે.”
ગૃહ પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક
ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે 13 નવેમ્બર, 2025ને ગુરુવારની સાંજે ગૃહ પ્રધાનના નિવાસસ્થાને આ હુમલા અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ગુપ્તચર બ્યુરોના વડા સહિત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે.



