
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટના તાર છેક પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે. જેમાં આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએ પશ્ચિમ બંગાળના દિનાજપુરથી એમબીબીએસના વિદ્યાર્થી નિસાર આલમની શંકાના આધારે ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી હરિયાણાની અલ-ફલા યુનીવર્સીટીમાં અભ્યાસ કરે છે. તેની લગ્નમાંથી પરત ફરતી વખતે સુરજપુર બજારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ એજન્સીએ તેનો મોબાઈલ સહિતની ડીજીટલ ડિવાઈસ જપ્ત કર્યા છે.
શંકાના આધારે નિસાર આલમની ધરપકડ
એનઆઈએ આતંકવાદી સંગઠનો સાથે કથિત સંબંધોના શંકાના આધારે નિસાર આલમની ધરપકડ કરી છે. નિસાર હરિયાણાની અલ-ફલા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી છે અને લુધિયાણામાં રહે છે. તેનું પૈતૃક ઘર દાલખોલા નજીક કોનાલ ગામમાં છે. તપાસ એજન્સીએ તેની પાસેથી ડિજિટલ ડિવાઈસ અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. જયારે પૂછપરછ દરમિયાન નિસારે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. તેને વધુ તપાસ માટે સિલિગુડી લઈ જવામાં આવી રહ્યો છે.
દિલ્હી વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા. જેના પગલે એનઆઈએ સતત વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં, એજન્સીએ હાલમાં મુર્શિદાબાદના રહેવાસી મોઈનુલ હસનના ઘરે દરોડા પાડ્યા હતા, જેના દિલ્હી અને મુંબઈમાં શંકાસ્પદ જોડાણોની તપાસ ચાલી રહી છે. એનઆઈએએ હજુ સુધી નિસાર સામેના આરોપો અથવા તેની પાસે રહેલા પુરાવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ તેજ , પઠાણકોટથી ડો. ઉમરના સંપર્કમાં રહેલા ડોકટર રઈસની ધરપકડ



