દિલ્હીમાં વિસ્ફોટઃ મૃતકની સંખ્યા વધીને 11 થઈ, કમિશનરે બ્લાસ્ટ અંગે આપ્યું નિવેદન?

પોલીસે શંકાસ્પદ લોકોને તાબામા લીધા, આવતીકાલે ચાંદની ચૌક બંધ રહેશે
નવી દિલ્હીઃ પાટનગરના ઐતિહાસિક લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન નજીકના ધમાકા પછી સમગ્ર દેશના સંવેદનશીલ શહેરોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિસ્ફોટ પછી સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં પીડિતોએ ખતરનાક વીતક જણાવી હતી. વિસ્ફોટમાં માર્યા જનારાની સંખ્યામાં વધારો થયો છે, જેમાં કુલ 11 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. મૃતકના મૃતદેહોને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલ (એલએનજેપી)માં લઈ જવામાં આવ્યા છે, જ્યારે મૃતકની સંખ્યા વધી શકે છે. વિસ્ફોટ પછી બે શંકાસ્પદ લોકોને તાબામાં લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દિલ્હી પોલીસ કમિશનર સતીષ ગોલચાએ કહ્યું કે આજે સાંજના 6.52 વાગ્યાના સુમારે એક ધીમી સ્પીડે જઈ રહેલી રેડ લાઈટ કાર રોકાઈ હતી, ત્યાર પછી એ કારમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે આસપાસની ગાડીને નુકસાન થયું હતું. આ વિસ્ફોટ પછી સંબંધિત એજન્સી તપાસમાં જોતરાઈ છે. ઘટનાસ્થળે એફએસએલ, એનઆઈએના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. હાલના તબક્કે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ગૃહ પ્રધાનને આ વિસ્ફોટ અંગે મહત્ત્વની માહિતી પૂરી પાડવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ…
વિસ્ફોટ પછી સમગ્ર દિલ્હી શહેરને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી ફાયર બ્રિગેડની ટીમની સાત ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે. સાક્ષીઓએ કહ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે અનેક મીટર દૂર સુધીની કાર અને જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. અમુક ઈમારતોની બારીબારણા તૂટી ગયા હતા. વિસ્ફોટ પછી આસપાસના વિસ્તારોને બંધ કરવામાં આવ્યા છે, જ્યારે સુરક્ષાના ભાગરુપે આતવીકાલે પણ ચાંદની ચૌકને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકના એક નંબરના ગેટ નજીકની કારમાં થયો હતો. તીવ્રતા વધારી હતી. એક સાક્ષીએ કહ્યું કે હું ગુરુદ્વારા જઈ રહ્યો ત્યારે ભયાનક વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ધમાકો એટલો મોટો હતો કે બીજી કોઈ વાત સંભળાઈ નહોતી, જ્યારે વિસ્ફોટને કારણે આસપાસના વાહનોના ફૂરચા ઉડી ગયા હતા.



