આતંકીઓના નિશાના પર હતી ગ્લોબલ કોફી ચેન, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ સાથે કનેક્શન…

નવી દિલ્હી: લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીઓના હાથમાં એક ગંભીર કાવતરાની કડીઓ લાગી છે. તપાસ મુજબ, આતંકી મોડ્યુલે માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશના અન્ય મોટા મહાનગરોમાં આવેલી એક પ્રખ્યાત ગ્લોબલ કોફી ચેનના આઉટલેટ્સને નિશાન બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. આતંકીઓ આ બ્રાન્ડને યહૂદી પ્રભાવના પ્રતીક તરીકે જોતા હતા, કારણ કે કંપનીનું નેતૃત્વ ભૂતકાળમાં એક યહૂદી સીઈઓ પાસે હતું. આ કાવતરા પાછળનો મુખ્ય હેતુ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના વિરોધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય સંદેશ આપવાનો હતો.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આઠ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી છે, જેમાં ત્રણ મેડિકલ પ્રોફેશનલ્સ (ડોક્ટર્સ) ના નામ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરના મુઝામિલ અહેમદ ગની, આદિલ અહેમદ રાથર અને ઉત્તર પ્રદેશના શાહીન સઈદ આ કાવતરામાં સામેલ હોવાનું મનાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આતંકી સમૂહની અંદર જ ટાર્ગેટને લઈને મતભેદો હતા. કેટલાક સભ્યો માત્ર સુરક્ષાબળો પર હુમલો કરવા માંગતા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર ઉમર-ઉન-નબી આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચવા માટે મોટા સાર્વજનિક સ્થળો પર હુમલો કરવા માટે મક્કમ હતો.
ધડાકાના થોડા દિવસો બાદ જાસિર વાની નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જે ટેકનિકલ એક્સપર્ટ હોવાનું મનાય છે. વાની પર આરોપ છે કે તે ડ્રોનને હથિયારમાં ફેરવવાની અને હમાસ-શૈલીના હુમલાઓ કરવાની યોજનામાં સક્રિય હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે ઉમર-ઉન-નબી અને તેના સાથીઓ મેટ્રો શહેરોમાં ભીડભાડવાળી જગ્યાઓ પર હુમલો કરીને તેમના કથિત ‘ગ્લોબલ મેસેજ’ ને ફેલાવવા માંગતા હતા. હાલમાં એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે શું કોફી ચેન પર હુમલા માટે કોઈ રેકી કે પ્રાયોગિક તૈયારીઓ કરવામાં આવી હતી કે કેમ?
આ તમામ આરોપીઓ પ્રતિબંધિત આતંકી સંગઠન ‘અંસાર ગઝવત-ઉલ-હિંદ’ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓ સ્થાનિક આતંકી ગતિવિધિઓને વૈશ્વિક સંઘર્ષો સાથે જોડીને કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતા. આ મોડ્યુલનો ઉદ્દેશ્ય ભારતમાં મોટા આર્થિક અને સામાજિક કેન્દ્રોને નિશાન બનાવીને દેશની સુરક્ષા વ્યવસ્થાને પડકારવાનો હતો. NIA અત્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધખોળ કરી રહી છે અને ડેટા વિશ્લેષણ દ્વારા વધુ પુરાવા એકત્ર કરી રહી છે.



