દિલ્હી વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, હમાસની જેમ જ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટમાં કેસના એનઆઈએ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં એનઆઈએ આ અંગે વિડીયો મળી આવ્યા છે. આ વિડીયો જેશ-એ-મોહમ્મદ અને હમાસ વચ્ચે સબંધ હોવાનો ખુલાસો કરે છે. તેમજ સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે આ સમગ્ર ષડયંત્ર ફેબ્રુઆરી માસમાં ઘડવામાં આવ્યું હતું. તેમજ હવે નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. દિલ્હી વિસ્ફોટની તપાસમાં જાણવા મળ્યું છે કે જૈશ-એ-મોહમ્મદનું વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ હમાસની રણનીતિ અપનાવી રહ્યું છે.
શસ્ત્રો માટે ડ્રોનનો ઉપયોગ હમાસના આતંકવાદી મોડ્યુલનો ભાગ
આ ઉપરાંત આ સમગ્ર ષડયંત્ર અંગે નિષ્ણાતોનું માનવું છે કે, શસ્ત્રો માટે ડ્રોનનો ઉપયોગ અને શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ તરીકે હોસ્પિટલોનો ઉપયોગ હમાસના આતંકવાદી મોડ્યુલ સાથે મેળ ખાય છે. એજન્સીઓ અનુસાર જૈશનું વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ હમાસની રણનીતિનો ઉપયોગ કરે છે તે કોઈ સંયોગ નથી.
આ પણ વાંચો: દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, પાકિસ્તાન ભારત મોકલવા માંગતું હતું લોંગ રેન્જ ડ્રોનનો જથ્થો
હમાસે પીઓકેમાં આતંકી સંગઠન સાથે સ્ટેજ શેર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં 5 ફેબ્રુઆરીના રોજ હમાસે પીઓકેના રાવલકોટમાં પહેલી વાર જૈશ અને લશ્કરના આતંકવાદીઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. હમાસના નેતાઓ ડૉ. ખાલિદ કદ્દૌમી અને ડૉ. નાજી ઝહીર હાજર હતા. આ બેઠકથી સંકેત મળ્યો કે આતંકવાદી નેટવર્ક હવે વૈશ્વિક સ્તરે વધુને વધુ સંકલન કરી રહ્યા છે.
લોકરમાંથી મોબાઇલ ફોન અને ટેબ્લેટ મળી આવ્યા
આ ઉપરાંત અલ-ફલાહ યુનિવર્સિટીમાં વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ મોટી સંખ્યામાં ડોકટરો અને સ્ટાફ ગાયબ થઈ છે. તપાસ એજન્સીઓ ડોકટરો અને સ્ટાફના લોકરની તપાસ કરી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક લોકરમાંથી મોબાઇલ ફોન અને ટેબ્લેટ મળી આવ્યા છે. સાયબર સેલ આ ઉપકરણોની પણ તપાસ કરી રહ્યું છે જેથી આ વ્યક્તિઓ કોના સંપર્કમાં હતા તે નક્કી કરી શકાય.



