નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: અલ-ફલાહ યુનિ.ના સ્થાપક જાવેદ સિદ્દીકીને 14 દિવસની કસ્ટડી ફટકારાઈ

નવી દિલ્હીઃ દિલ્હીના આતંકવાદી બ્લાસ્ટ મુદ્દે હજી પણ અનેક નવી વિગતો બહાર આવી રહી છે ત્યારે આ કેસમાં અલ ફલાહ યુનિવર્સિટી (Al Falah University)ના સ્થાપક જાવેદ સિદ્દીકી (Javed Siddiqui)ને 14 દિવસની ન્યાયિક કસ્ટડી એજન્સીને મળી છે. દિલ્હી બ્લાસ્ટ કેસ (Delhi Blast Case)માં આ યુનિવર્સિટી પર પણ શંકાના વાદળો ઘેરાયેલા છે. તેના માટે અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી, અત્યારે જાવેદ સિદ્દીકી પાસેથી વધારે વિગતો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

જાવેદ સિદ્દીકી આગામી 14 દિવસ સુધી જેલમાં રહેશે

દિલ્હીના આતંકી હુમલામાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સી દ્વારા કેટલાક આરોપોના આધારે જાવેદ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યાં બાદ રિમાન્ડ લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન જાવેદ સિદ્દીકીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ હવે એ છે કે આરોપી જાવેદ સિદ્દીકી આગામી 14 દિવસ સુધી જેલમાં રહેશે, આ દરમિયાન સુરક્ષા એજન્સી દ્વારા તેની સાથે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો: એનઆઈએ, એટીએસના રડાર પર અલ-ફલાહ કેમ્પસના ડૉક્ટર્સ: 1,000થી વધુ લોકોની કરાઈ પૂછપરછ

અલ ફલાહ યુનિવર્સિટીનો માલિક જાવેદ સિદ્દીકી કોણ છે?

61 વર્ષીય જાવેદ અહમદ સિદ્દીકી જે અલ ફલાહ યુનિવર્સિટીનો માલિક છે, તે ત્રણ વર્ષ સુધી જેલમાં પણ રહેલો છે. વર્ષ 2000માં સિદ્દીકી અને તેના ભાઈ સઉદ અહેમદ સામે એફઆઈઆર નોંધાઈ હતી. આ બંને સામે છેતરપિંડી, કાયદાનો ભંગ અને ખોટા દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત કાવતરું કરવા માટે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓ પર 7.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચર્યાનો આરોપ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં તેને સજા પણ થઈ હતી.

આરોપી જાવેદ સિદ્દીકી આ પહેલા તે ચીટ ફંડમાં કામ કરતો હતો, તેણે લોકોને રૂપિયા પાછા ના આપ્યાં હોવાના કારણે તેના પર કેસ થયો હતો. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, આરોપી જાવેદ સિદ્દીકીએ એ જ રૂપિયાથી અલ ફલાહ યુનિવર્સિટી બનાવી છે. કેસ થયા બાદ તેણે લોકોને રૂપિયા પાછા આપી દીધા હતા એટલે તેને કેસમાંથી રાહત મળી ગઈ હતી. અત્યારે ફરી એક નવા વિવાદમાં તેનું નામ ચર્ચામાં આવ્યું છે.

આ પણ વાંચો: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો મોટો વિસ્ફોટ? જાણો આતંકી મોડ્યુલ અને અલ-ફલાહ યુનિવર્સિટીના કનેક્શન વિશે!

જાવેદ 1992માં જામિયા મિલિયા યુનિ.માં જોડાયો હતો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જાવેદે ઇન્દોરની બી.ટેક સિવિલ એન્જિનિયર કરેલું છે. ત્યારબાદ 1992માં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. અહીં બે વર્ષ સુધી નોકરી કરી હતી. અત્યારે જાવેદ અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટનો અધ્યક્ષ છે, જે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સેન્ટર ચલાવે છે. આ યુનિવર્સિટીનો નવ કંપનીઓ સાથે સંબંધ છે, જેનું તમામ કામ જાવેદ કરે છે. જાવેદ આ કંપનીઓમાં ડિરેક્ટર હોવાનું પણ જાણવા મળ્યું છે.

અલ-ફલાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની સાથે પણ તેનો સંબંધ છે

સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે સિદ્દીકીનો સૌથી જૂનો સંબંધ અલ-ફલાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની સાથે છે, જેમાં તે 18 સપ્ટેમ્બર, 1992થી જોડાયો હતા. અન્ય કંપનીઓમાં અલ-ફલાહ સોફ્ટવેર, અલ-ફલાહ એનર્જીઝ, તરબિયા એજ્યુકેશન ફાઉન્ડેશન અને અલ-ફલાહ એજ્યુકેશન સર્વિસીસનો સમાવેશ થાય છે. મોટા ભાગની કંપનીઓનું નોંધણી સરનામું એક જ છે, 274-A, અલ-ફલાહ હાઉસ, જામિયા નગર, ઓખલા, નવી દિલ્હી. આ એ જ ઇમારત છે જ્યાંથી અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. એટલા માટે અનેક પ્રકારની શંકાઓ સુરક્ષા એજન્સીને થઈ રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button