Top Newsનેશનલ

આતંકવાદ સામે કડક સંદેશ: દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીનું ઘર તોડી પડાયું

શ્રીનગર: સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ આતંકવાદી ષડ્યંત્રની સઘન તપાસ કરી રહી છે, ધરપકડ કરાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં અહેવાલ છે કે આરોપી ડોક્ટર ઉમર નબીના જમ્મુ અને કશ્મીરના પુલવામા જીલ્લામાં આવેલા નિવાસસ્થાનને તોડી પાડવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ પુલવામા જીલ્લાના કોઈલ ગામમાં આવેલું ઉમર નબીનું ઘર તોડી પાડ્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ને મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર પોલીસે ડોક્ટર નબીના સાથે જોડાયેલા છ લોકોની ધરપકડ કરી, જેમાં તેના પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદ સામે કડક સંદેશ:

ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને અન્ય ગેરકાયદે પ્રવૃતિઓમાં સામેલ લોકોને કડક સંદેશ આપવા આ કાર્યવાહી કરવામાં છે. અગાઉ પહેલગામ આતંકવાદી હુમલા માટે આતંકવાદીઓને મદદ કરનાર લોકોના ઘર પણ તોડી પાડવામાં આવ્યા હતાં.

ડોકટરોએ મળીને રચ્યું કાવતરું:

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે હ્યુન્ડાઇ i20માં બ્લાસ્ટ થયો હતો, NDA ટેસ્ટથી સાબિત થયું કે ઉમર નબી કારમાં જ હતો અને તેણે જ આ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

નબી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તે યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. મુઝમ્મિલ શકીલ ગની અને ડૉ. અદીલ રાથેર સાથે જોડાયેલો હતો. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, બંને પર ફરીદાબાદમાં 2,900 કિલોથી વધુ એમોનિયમ નાઈટ્રેટ, ડેટોનેટર, ટાઈમર અને એસોલ્ટ રાઈફલ્સ એકત્રિત કરવાનો આરોપ છે. હાલ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, આ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટીમાં ચાલી રહેલા મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા: માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમરની ‘લાલ કાર’ મળી, સંબંધી ફહીમની ધરપકડ!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button