દિલ્હી બ્લાસ્ટના આરોપીઓનું તુર્કીયે કનેક્શન શું છે, જાણો નવી અપડેટ?

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભયાનક વિસ્ફોટને લઈને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અને દિલ્હી પોલીસની ટીમ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
હવે આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હુમલાને લઈને શંકાસ્પદોનું તુર્કીયે સાથેનું કનેક્શન બહાર આવ્યું છે. ચાલો, જાણીએ આ શંકાસ્પદો કોણ છે અને તેમનું તુર્કીયે સાથે શું કનેક્શન છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, પોલીસ શોધી રહી છે લાલ ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર…
શંકાસ્પદોનું તુર્કીયે સાથેનું કનેક્શન
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આત્મઘાતી હુમલાના મુખ્ય શંકાસ્પદો ઉમર મોહમ્મદ અને મુઝમ્મિલ શકીલ વિસ્ફોટ પહેલાં તુર્કી ગયા હતા. ગુપ્તચર એજન્સી દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુઝમ્મિલ અને ઉમર તુર્કીમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના હેન્ડલરને મળ્યા હતા અને ત્યાં જ હુમલાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝમ્મિલ અને ઉમરના પાસપોર્ટ પર તુર્કીયે સ્ટેમ્પ મળી આવ્યા છે, જે તેમની મુલાકાતની પુષ્ટિ કરે છે. તુર્કીયે પાકિસ્તાનનો નજીકનો મિત્ર માનવામાં આવે છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ તુર્કીયે ખુલ્લેઆમ પાકિસ્તાનને ડ્રોન અને શસ્ત્રો પૂરા પાડ્યા હતા. આ જ કારણોસર, તુર્કી જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર્સ માટે એક અનુકૂળ અને સુરક્ષિત સ્થાન બની ગયું છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ અપડેટઃ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ ક્યાં? જાણો કયા રસ્તેથી ભારતમાં આવ્યું
‘વ્હાઈટ કોલર મોડ્યુલ’ની સંડોવણીની આશંકા
દિલ્હી વિસ્ફોટની તપાસ NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) કરી રહી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદોમાં ફરિદાબાદમાંથી ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ શકીલ અને લખનઉમાંથી ધરપકડ કરાયેલી મહિલા ડૉક્ટર શાહિના શાહિદનો સમાવેશ થાય છે.
શાહિના શાહિદ જૈશ-એ-મોહમ્મદની મહિલા બ્રિગેડ માટે કામ કરતી હોવાનું માનવામાં આવે છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે તાજેતરમાં જ આ મહિલા બ્રિગેડની કમાન તેની બહેનને સોંપી હતી.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષના પ્રિયજને ગુમાવ્યો જીવ, કહ્યું વિશ્વાસ નથી નથો…
તપાસ એજન્સી માને છે કે આ એક શિક્ષિત ડોકટરો દ્વારા સંચાલિત ‘વ્હાઇટ-કોલર મોડ્યુલ’ છે, જે ભરતી અને ભંડોળનું સંચાલન કરે છે. આ નેટવર્કની કડી અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) સાથે પણ હોવાની શંકા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે થોડા દિવસો પહેલા સહારનપુરથી મોહમ્મદ આદિલની ધરપકડ કરી હતી, જેની માહિતીના આધારે મુઝમ્મિલના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી કોઈ પણ ગુપ્તચર એજન્સીએ જૈશ-એ-મોહમ્મદ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.



