Delhi Assembly Elections: 70 બેઠક પર નસીબ અજમાવશે 699 ઉમેદવાર
કેજરીવાલના વિધાનસભાના વિસ્તારમાં સૌથી વધુ ઉમેદવાર મેદાનમાં, કટ્ટર સ્પર્ધા રહેશે
નવી દિલ્હીઃ ગયા વર્ષે લોકસભાની ચૂંટણી સાથે મહત્ત્વના રાજ્યની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા પછી હવે આ વર્ષે પાટનગર દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર રહેશે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં 699 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવશે. ચૂંટણીમાં 1522 ઉમેદવારીપત્ર દાખલ થયા બાદ પંચે 981 ઉમેદવારના ઉમેદવારીપત્રો સ્વીકાર્યા હતા. ત્યાર બાદ થયેલી ચકાસણીમાં 719 દાવેદાર બાકી રહ્યા હતા. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ હવે 70 વિધાનસભા મતવિસ્તારોમાં 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.
આ પણ વાંચો: ભાજપે દિલ્હી ચૂંટણી માટે જાહેર કર્યો બીજો ચૂંટણી ઢંઢેરોઃ જાણો શું શું આપ્યા વચનો
મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર સૌથી મુશ્કેલ ચૂંટણી સ્પર્ધા નવી દિલ્હી વિધાનસભાની બેઠક પર હશે. અહીં વિવિધ પક્ષોના 23 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલના વિધાનસભા ક્ષેત્રમાં 23 ઉમેદવારોના નામાંકન માન્ય થયા હતા, જેમાં ચાર મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભાજપ તરફથી પ્રવેશ વર્મા અને કોંગ્રેસ તરફથી સંદીપ દીક્ષિત આ બેઠક પરથી મેદાનમાં છે. જનકપુરીમાં 16 ઉમેદવારો છે.
આ પણ વાંચો: Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પરિવારવાદ હાવી, ત્રણેય પક્ષોએ આટલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
જનકપુરીમાં 16 ઉમેદવાર છે મેદાનમાં
બીજી તરફ કસ્તુરબા નગર વિધાનસભા અને પટેલ નગર વિધાનસભા દિલ્હીમાં સૌથી ઓછા ઉમેદવારો ધરાવતી બેઠકો બની છે. આ બે બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને આપ સહિત કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જનકપુરીમાં 16 ઉમેદવાર છે, જ્યારે રોહતાસ નગર, કરાવલ નગર અને લક્ષ્મી નગરમાં 15-15 ઉમેદવારો છે, તેનાથી વિપરીત પટેલ નગર અને કસ્તુરબા નગરમાં સૌથી ઓછા ઉમેદવારો છે, દરેકમાં પાંચ ઉમેદવાર છે. 2020માં પટેલ નગર બેઠક, જે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે, ત્યાં સૌથી ઓછા ચાર ઉમેદવારો હતા.
38 બેઠક પર 10થી ઓછા ઉમેદવાર
70 વિધાનસભા બેઠકોમાંથી 38 બેઠક પર 10થી ઓછા ઉમેદવારો છે. તિલક નગર, માંગોલપુરી અને ગ્રેટર કૈલાશ જેવા નોંધપાત્ર વિધાનસભા મતવિસ્તારોમાં છ-છ ઉમેદવારો છે, જ્યારે ચાંદની ચોક, રાજેન્દ્ર નગર અને માલવિયા નગરમાં સાત-સાત ઉમેદવારો છે.
આપના 70, ભાજપના 68 ઉમેદવાર મેદાનમાં
આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસે તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) 68 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સાથી પક્ષો જનતા દળ (યુનાઇટેડ) અને લોકતાંત્રિક જન શક્તિ પાર્ટી માટે બે બેઠકો અનામત રાખી છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી) એ 69 મતવિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે.
પાંચમી ફેબ્રુઆરીના રહેશે મતદાન
10 જાન્યુઆરીથી શરૂ થયેલા અઠવાડિયા સુધી ચાલેલા નોમિનેશન રાઉન્ડ દરમિયાન 981 ઉમેદવારોએ કુલ 1522 નોમિનેશન દસ્તાવેજો સબમિટ કર્યા હતા. ત્યારબાદ નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી. મતદાન પાંચ ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 8 ફેબ્રુઆરીના રોજ કરાશે.