દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ આગામી સપ્તાહે જાહેર થઈ શકે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આગામી સપ્તાહે જાહેર થઈ શકે છે. આ અંગે ચૂંટણી પંચ સોમવારે પ્રેસ કૉન્ફરન્સ યોજી શકે છે. ચૂંટણી પંચના ટોચના સૂત્રો મુજબ 12 થી 14 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થઈ શકે છે અને 17 ફેબ્રુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર 18 ફેબ્રુઆરીએ તેમના પોણા ત્રણ વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થવા જઈ રહ્યો છે.
આ પહેલા નવી વિધાનસભાની રચના જરૂરી છે. 23 ફેબ્રુઆરી પહેલા જ ચૂંટણી પંચ ઉપરાજ્યપાલને નવ નિયુક્ત ધારાસભ્યોનું લિસ્ટ સોંપી દેશે. વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ 23 ફેબ્રુઆરી કે તે પહેલા યોજાઈ શકે છે.
આપણ વાંચો: જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો
6 જાન્યુઆરી સુધીમાં જાહેર થશે મતદાર યાદી
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્ય ચૂંટણી અધિકારીએ 6 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવા સૂચના આપી છે. મતદાર યાદીની સ્પેશિયલ સમરી રિવિઝનનું કામ થઈ ચૂક્યું છે.
આ સ્થિતિમાં નવા મતદારો ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયાના 10 દિવસ સુધી પોતાનું નામ યાદીમાં નોંધાવી શકે છે. મતદાર યાદી વિવાદને લઈ સ્પષ્ટતા કરતાં ચૂંટણી પંચે કહ્યું, 6 જાન્યુઆરી સુધીમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ બંને એકબીજા પર મતદારોના નામ કપાવવાનો આરોપ લગાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત મહિને એક પ્રેસ કૉન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે તેમના વિસ્તારમાંથી 5000 નામ હટાવવા અને 7500 નામ ઉમેરવાની અરજી આપવામાં આવી છે.
આપણ વાંચો: AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર
જેમાં અનેક હાઇ પ્રોફાઇલ નામ પણ છે. તેમના મત વિસ્તારમાંથી 12 ટકા વોટ બદલવામાં આવશે. જેના પર ભાજપે પલટવાર કર્યો હતો. ભાજપના દિલ્હી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ગુરુવારે મતદાર યાદીમાંથી નામ કપાવા પાછળ આમ આદમી પાર્ટીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીએ 2020માં યોજાયેલી ચૂંટણીમાં 62 સીટ જીતી હતી.