Assembly Election: દિલ્હીની હોટ સીટ પર ત્રિપાંખિયો જંગ, કેજરીવાલ, સંદિપ દિક્ષીત, પ્રવેશ વર્મા મેદાનમાં…
નવી દિલ્હી વિધાનસભાની સીટ કઈ રીતે બની ગઈ હોટ સીટ?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election) માટે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામશે ત્યારે પાટનગરની હોટ સીટ પર ત્રિપાંખિયો જંગ રહેશે. આજે વિધાનસભા સીટ માટે આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવેશ વર્માએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે અહીંની સીટ પરથી કોંગ્રેસે સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. આપણે આ સીટનો ઇતિહાસ જાણીએ.
આ પણ વાંચો : Indian Army Day: આપણે આખું વર્ષ જેમના લીધે સુરક્ષિત રહીએ છીએ તેમને સલામ કરવાનો દિવસઃ જાણો વિગતવાર
ત્રણ અલગ અલગ પક્ષોના આ ત્રણ જાણીતા ઉમેદવારોને કારણે આ સીટ દિલ્હી વિધાન સભા ચૂંટણીની હોટ સીટ બની ગઇ છે અને એનું બીજુ પણ એક મહત્વનું કારણ છે. છેલ્લી સાત વખતની ચૂંટણીમાં છ વાર એવું બન્યું છે કે અહીંની બેઠક પરથી જે જીત્યું હતું તેની જ પાર્ટીનો મુખ્ય પ્રધાન બન્યો હતો, તેથી સૌની નજર હોટ સીટ પર છે.
આ સીટ માટેનો મુકાબલો રોચક કેમ છે?
આ સીટ માટેનો મુકાબલો ઘણો જ રોચક બની શકે છે, કારણ કે અહીંની સીટ પરથી આમ આદમી પાર્ટીના એક વખતના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે. તેમની સામે કૉંગ્રેસે સંદિપ દિક્ષીતને મેદાનમાં ઉતાર્યા છે. સંદિપ દિક્ષીતના માતા શીલા દિક્ષીત ત્રણ-ત્રણ વાર દિલ્હીના મુખ્ય પ્રધાનપદે રહી ચૂક્યા છે.
ભાજપ માંડ એક જ વખત જીતી છે
બીજી તરફ ભાજપે અહીંથી પ્રવેશ વર્માને ટિકિટ આપી છે. પ્રવેશ વર્મા ભાજપના કદાવર નેતા સાહિબસિંહ વર્માના પુત્ર છે. વર્મા અને દિક્ષીત બંને લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. અહીંની સીટ પરથી ભાજપ માત્ર એક વાર જ જીતી શકી છે. 1993માં ક્રિકેટના મેદાનમાંથી રાજકારણમાં આવનાર કીર્તિ આઝાદ ભાજપ તરફથી આ સીટ પરથી જીતી ચૂક્યા છે. તેમના પિતા ભાગવત ઝા આઝાદ બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન હતા. હાલમાં કિર્તી આઝાદ તૃણમૂલ કૉંગ્રેસમાં છે.
ત્રણ વખત કેજરીવાલની પાર્ટીએ મારી બાજી
નવી દિલ્હી વિધાનસભા સીટ 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. આ સીટ પર જે ઉમેદવારે ચૂંટણી જીતી છે, તેણે દિલ્હીમાં સરકાર બનાવી છે. 1993માં ભાજપ, 1998, 2003 અને 2008માં કૉંગ્રેસના શીલા દિક્ષીત અને 2013, 2015 અને 2020માં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીએ અહીં સરકાર બનાવી છે, તેથી આ વખતે પણ લોકોની નજર આ સીટ પર છે. આ વિધાનસભા મતવિસ્તારમાં મોટા ભાગે સરકારી આવાસો છે. તેમાં મોટે ભાગે શિક્ષીત લોકો રહે છે. તેઓ રાજનીતિ, તેના ઉંડાણ જાણે છે. અરવિંદ કેજરીવાલ અહીંથી છેલ્લી ત્રણે વાર જીત્યા છે.
કેજરીવાલની પાર્ટી માટે પણ કપરા ચઢાણ
અરવિંદ કેજરીવાલને માત આપવા માટે આ વખતે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ તગડી તૈયારી કરી છે અને મહાબલિ જેવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસ અને ભાજપ બંને ભ્રષ્ટાચારના મુદ્દે કેજરીવાલ પર પ્રહારો કરી રહ્યા છે. તેથી કેજરીવાલની અગ્નિપરીક્ષા થવી તો નક્કી જ છે. પ્રવેશ વર્મા ભાજપના યંગ અને તેજસ્વી હિંદુવાદી છબિ ધરાવતા નેતા છે. 2013માં તેઓ આ સીટ પરથી આપના યોગેન્દ્ર શાસ્ત્રીને હરાવીને સાંસદ ચૂંટાયા હતા.
આ પણ વાંચો : મુસ્લિમ પિતા-પુત્રની જોડીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો…
પક્ષોનો આમનેસામને ફરિયાદોનો દોર યથાવત્
સંદિપ દિક્ષીત બે વાર પૂર્વ દિલ્હી વિધાનસભા સીટ પરથી સાંસદ બની ચૂક્યા છે. તેઓ તેમની માતા શિલા દિક્ષીતની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યોને બદલે લોકોનો મત માગી રહ્યા છે. જ્યારથી તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારથી તેઓ સતત આપ પાર્ટી પર હુમલો કરી રહ્યા છે. તેઓ ઉપરાજ્યપાલ પાસે AAPની ફરિયાદ પણ કરી ચૂક્યા છે. તો AAPના કેજરીવાલ પણ કંઇ ગાંજ્યા જાય એમ નથી. તેઓ પણ એવા આક્ષેપો કરી રહ્યા છે તે તેમને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયા છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના આ દોરમાં હવે કોણ બાજી મારશે એ તો સમય જ કહેશે, પણ એટલું તો ચોક્કસ છે કે આ સીટ પર મુકાબલો રોચક રહેશે.