
દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદુષણ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. આજે સોમવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલી જોવા મળી. એર ક્વોલિટી ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ. વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ જેને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર પહોંચી. ઓછી વિઝિબિલિટીને કારણે વાહન વ્યાવહારની ગતિ ધીમી થઇ ગઈ હતી, અનેક જગ્યાએ એ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(CPCB) ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) 456 નોંધાયો હતો, જે આ સિઝનનો બીજો સૌથી ખરાબ AQI છે. ગઈ કાલે રવિવારે દિલ્હીમાં AQI 461 પર પહોંચ્યો હતો.
0-50 નાં AQIને ‘સારો’ (Good), 51-100 ના AQIને ‘સંતોષકારક’ (Satisfactory), 101-200ના AQIને ‘મધ્યમ’ (Moderate), 201-300નાં AQIને ‘ખરાબ’ (Poor), 301-400ના AQIને ‘ખૂબ જ ખરાબ’ (Very poor) અને 401-500નાં AQIને ‘ગંભીર’ (Severe) ગણવામાં આવે છે.
દિલ્હીના અક્ષરધામમાં એર AQI 493 સુધી પહોંચી ગયો હતો, સમગ્ર વિસ્તારમાં ઝેરી હવાની ગઢ ધુમ્મસ જોવા મળી હતી. બારાપુલ્લા ફ્લાયઓવર પાસે AQI 433 અને બારાખંબા રોડ AQI 474 નોંધાયો હતો.
ફ્લાઈટ ઓપરેશનને અસર:
ઝેરી હવાના ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખુબજ ઓછી થઇ ગઈ હતી, જેને કારણે ગઈ કાલે દિલ્હી એરપોર્ટ પર 110 ડિપાર્ચર અને 37 અરાઈવલ ફ્લાઈટ્સ ડીલે થઇ હતી.
દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એક એડવાઈઝરી બહાર પાડી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે ગાઢ ધુમ્મસને કારણે, ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલી ઉભી થઇ છે.
હજુ પણ આવી પરિસ્થિતિ રહેશે:
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આગાહી કરી છે, જેના માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
GRAP-IV લાગુ કરવામાં આવ્યું :
પ્રદૂષણના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને શનિવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નું સ્ટેજ-IV લાગુ કર્યું છે, જે હેઠળ દિલ્હી-NCRમાં તમામ કન્સ્ટ્રકશન અને ડિમોલિશન એક્ટીવીટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…મુંબઈમાં હવા ઝેરી બની રહી છે! આ વિસ્તારોમાં બાંધકામ સહિત આ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ



