ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી-અમૃતસર એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી આટલી ફ્લાઈટ્સ મોડી પડી…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વધી રહેલી ઠંડી વચ્ચે લોકો ગાઢ ધુમ્મસનો પણ સામનો કરી રહ્યા છે. અહીં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસની સાથે ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. આજે સવારે પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના કારણે રેલ, રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત થયો છે. રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે તેમજ ઘણી ટ્રેનો મોડી પડી હતી. અને ઘણી ફ્લાઈટ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી છે. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી, યુપી, પંજાબ સહિત અનેક રાજ્યોના એરપોર્ટ પર ફ્લાઈટ્સ મોડી પડી રહી છે.
દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાઢ ધુમ્મસને કારણે એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સહિત લગભગ 30 ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન મોડું થઈ રહ્યું છે. જેના કારણે મુસાફરોએ કડકડતી ઠંડીમાં ફ્લાઈટની રાહ જોવી પડે છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે સવારે અમૃતસર એરપોર્ટ પર 50 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી. લખનઉ અને પાલમ એરપોર્ટ પર વર્તમાન વિઝિબિલિટી અનુક્રમે 800 અને 1000 મીટર છે અને આગામી 6 કલાક દરમિયાન તે ઘટીને 500 મીટર અને તેનાથી નીચે થવાની શક્યતા છે.
ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ એટલે કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરીમાં વિલંબનો સામનો કરતી ફ્લાઇટ્સ માટે પણ નંબર આપ્યા છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ ચાલુ હોવા છતાં, જે ફ્લાઈટ્સ CAT III અનુરૂપ નથી તે પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને ફ્લાઇટની અપડેટ માહિતી માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
Terminal 3 Update at 18:00 Hours
— Delhi Airport (@DelhiAirport) December 6, 2023
Smooth passengers movement observed at all terminal entry gates with an estimate waiting time varying from 1-15 Minutes. To check the live updates, visit: https://t.co/d86w6lXPU6 pic.twitter.com/i77oSmSTiI
આ ઉપરાંત એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહે. આ પહેલા ખરાબ હવામાનને કારણે સોમવારે સવારે દિલ્હી એરપોર્ટથી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. ધુમ્મસના કારણે ટ્રેન સેવા પર પણ પ્રતિકૂળ અસર પડી છે અને આજે સવારે લગભગ 14 ટ્રેનો મોડી દિલ્હી પહોંચી હતી.