દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત બન્યું: 7.7 કરોડથી વધુ મુસાફરોનો રેકોર્ડ

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું હતું. દિલ્હી એરપોર્ટમાં વર્ષ 2024માં 7.7 કરોડથી વધુ મુસાફરોનું સંચાલન કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી.
‘એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ’ (એસીઆઇ)ની વિશ્વના 20 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ 10,80,67,766 મુસાફરોની અવરજવર સાથે ટોચ પર છે. આ પછી દુબઈ એરપોર્ટ (9,23,31,506 મુસાફરો) બીજા સ્થાને છે અને અમેરિકાનું ડલ્લાસ/ફોર્ટ વર્થ એરપોર્ટ (8,78,17,864 મુસાફરો) ત્રીજા સ્થાને છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ” વર્ષ 2024માં વૈશ્વિક મુસાફરોનો ટ્રાફિક 9.4 અબજ મુસાફરોની અવરજવર સાથે નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. આ આંકડો 2023 કરતા 8.4 ટકા વધુ અને મહામારી પહેલાના (2019) સ્તર કરતા 2.7 ટકા વધુ છે.” યાદીમાં ટોચના 20 એરપોર્ટમાં ગયા વર્ષે કુલ 1.54 અબજ હવાઈ મુસાફરોએ અવરજવર કરી હતી. જે વૈશ્વિક ટ્રાફિકના 16 ટકા જેટલું હતું.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ત્રણ મહિના માટે 114 ફલાઇટ રદ, જાણો કારણ
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે ગયા વર્ષે 77.8 મિલિયન મુસાફરોનું સંચાલન કર્યું હતું, જે તેનું રેન્કિંગ સુધારીને નવમા સ્થાને પહોંચ્યું હતું, જ્યારે 2023માં તે 10મા સ્થાને હતું. આ આંકડો વિમાનમાં સવાર અને વિમાનમાંથી ઉતરનારા કુલ મુસાફરોની સંખ્યાના આધારે છે જ્યારે સ્ટોપઓવર તરીકે ટ્રાન્ઝિટ મુસાફરોની ગણતરી એકવાર કરવામાં આવી હતી. એસીઆઇએ જણાવ્યું હતું કે આ યાદીમાં અમેરિકાના મહત્તમ છ એરપોર્ટનો સમાવેશ થાય છે.
યાદીમાં ટોચના 10 એરપોર્ટમાં જાપાનનું હાનેડા (ચોથું), લંડનનું હીથ્રો (પાંચમું), અમેરિકાના ડેનવર(છઠ્ઠું), તુર્કીનું ઇસ્તંબુલ (સાતમું), અમેરિકાનું શિકાગો (આઠમું) અને ચીનનું શાંઘાઈ (દસમા) સામેલ છે. એસીઆઇ 170 દેશોમાં કુલ 2,181 એરપોર્ટનું સંચાલન કરતા 830 સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.