
દેશના સૌથી વ્યસ્તમાંથી એક ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર ગુરુવાર સાંજથી શુક્રવાર સુધી ઓટોમેશન સિસ્ટમ તૂટી પડતા હવાઈ મથકમાં હોબાડો મચી ગયો હતો. આ ખામીના કારણે 500થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી અને લગભગ 100 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. આ ઘટનાએ ભારતની જૂની એર નેવિગેશન વ્યવસ્થા પર ફરી એકવાર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના જણાવ્યા અનુસાર, ઓટોમેશન એન્ડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ખરાબી આવી હતી. આ સિસ્ટમ ફ્લાઈટનો ડેટા પ્રોસેસ કરે છે, રડાર સાથે જોડે છે અને દેશભરના એર ટ્રાફિક કંટ્રોલર્સ વચ્ચે સંકલન જાળવે છે. જ્યારે આ સિસ્ટમ બંધ પડી ત્યારે કંટ્રોલર્સે ટેલિફોન અને હાથના ઈશારાઓથી કામ ચલાવવું પડ્યું, જેના કારણે ઘણી મોટી અવ્યવસ્થા સર્જાઈ છે.
એર ટ્રાફિક કંટ્રોલર્સ ગિલ્ડ (ATC ગિલ્ડ)એ જુલાઈ 2025માં જ સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી કે દિલ્હી-મુંબઈ જેવા મોટા એરપોર્ટ પર ઓટોમેશન સિસ્ટમમાં ધીમી ગતિ, લેગ અને ડેટા ડિલે જેવી સમસ્યાઓ વધી રહી છે. ગિલ્ડે માંગ કરી હતી કે અમેરિકાના FAA અને યુરોપના Eurocontrol જેવી અદ્યતન AI આધારિત સિસ્ટમ અપનાવવામાં આવે, જેથી સુરક્ષા અને ઝડપ બંને વધે.
DGCA હાલમાં GPS સ્પુફિંગના કેસોની પણ તપાસ કરી રહી છે. દિલ્હી એરપોર્ટથી 60 નોટિકલ માઈલ દૂર ખોટા GPS સિગ્નલ મળી રહ્યા છે, જેના કારણે પાયલટ્સે RNP સિસ્ટમ પર વધુ નિર્ભર રહેવું પડે છે. જોકે સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું કે 7 નવેમ્બરની ખામીનું કારણ GPS સ્પુફિંગ નહોતું. 8 નવેમ્બરની બપોર સુધીમાં દિલ્હી એરપોર્ટની તમામ ફ્લાઈટ્સ સામાન્ય થઈ ગઈ છે.
DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે AAI પાસેથી આ ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. પ્રાથમિક તપાસમાં સોફ્ટવેર અને પાવર સપ્લાયની ખામી સામે આવી છે. આ ઘટનાએ દેશની એવિએશન સિસ્ટમમાં બેકઅપ વ્યવસ્થા અને રિઝીલિન્સની ગંભીર ઉણપને ઉજાગર કરી છે.
આ પણ વાંચો…દિલ્હી બાદ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્જાઈ ખામી, અનેક ફ્લાઇટ પર થઈ અસર



