દિવાળી પૂર્વે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’: અક્ષરધામમાં AQI 426…

નવી દિલ્હીઃ દિલ્હી અને એનસીઆરમાં દિવાળી પહેલા હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. પરિણામે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(સીપીસીબી) અનુસાર આજે સવારે દિલ્હીના અક્ષરધામ વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઇ) 426 નોંધવામાં આવ્યો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે.
પરિણામ સ્વરૂપ સમગ્ર વિસ્તારમાં ખરાબ હવાને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગ્રેટર નોઇડા વેસ્ટ અને ગાઝિયાબાદના વિજયનગરમાં પણ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. ધુમાડો અને ધુમ્મસની જાડી ચાદર આખા એનસીઆર પર છવાઇ ગઇ છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઇ છે.
સીપીસીબીના આંકડા અનુસાર ગૌતમ બુદ્ધ નગરમાં એક્યૂઆઇ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. નોઇડામાં એક્યૂઆઇ 298 નોંધવામાં આવ્યો હતો, પરંતુ સેક્ટર-1 સહિતના કેટલાક ભાગોમાં ગંભીર શ્રેણીમાં છે. ગાઝિયાબાદના વિજય નગરમાં એક્યૂઆઇ લગભગ 300 નોંધાયો હતો. જે ખૂબ ખરાબથી ગંભીર શ્રેણીમાં આગળ વધી રહ્યો છે. તો ગુરૂગ્રામમાં એક્યૂઆઇ 258 સાથે ગંભીર શ્રેણીમાં છે.
શનિવારે દિલ્હીના 39 મોનિટરિંગ કેન્દ્રોમાંથી નવમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઇ હતી. આનંદ વિહારમાં સૌથી વધુ એક્યૂઆઇ 389, વજીરપુરમાં 351, બવાનામાં 309, જહાંગીરપુરીમાં 310, ઓખલામાં 303, વિવેક વિહારમાં 306, દ્વારકામાં 310 અને સિરી ફોર્ટમાં 307 નોંધાયો હતો. જ્યારે આજે અક્ષરધામમાં એક્યૂઆઇ 426 સુધી પહોંચતા પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની હતી.
દિલ્હી માટે વાયુ ગુણવત્તા પ્રારંભિક ચેતવણી પ્રણાલીએ આગામી દિવસો માટે પણ આ પ્રકારની સ્થિતિની આગાહી કરી છે. ડિસિઝન સપોર્ટ સિસ્ટમના આંકડાઓ અનુસાર શનિવારે દિલ્હીના પ્રદૂષણમાં પરિવહન ઉત્સર્જનનો સૌથી મોટો 15.6 ફાળો રહ્યો હતો.