
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારની ઝેરી હવાએ અસ્થમા અને શ્વાસના દર્દીઓનું ટેન્શન વધારી દીધું છે. લોકો આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા છે. દિવાળી પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. નવી દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં સવારે લગભગ 1 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 500થી પણ વધુ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં પ્રદૂષણમાંથી રાહત મળવાની પણ કોઈ આશા નથી. પર્યાવરણ નિષ્ણાતોના મતે પ્રદૂષણ સામે લડવા માટે સરકારના પગલાં અપૂરતા સાબિત થઈ રહ્યા છે. દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિત એનસીઆરના તમામ વિસ્તારોમાં સવારે આકાશમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગયેલી જોવા મળી હતી, જેના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘણી ઓછી હતી. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ આગામી થોડા દિવસોમાં ખૂબ જ ગંભીર બની શકે છે. સરકારે પરિસ્થિતિને ઇમરજન્સી ગણીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી લોકોની માગ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) આજે 5 નવેમ્બર સવારે 7 વાગ્યે 400 થી ઉપર નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે.
નોંધનીય છે કે શૂન્યથી 50 ની વચ્ચેનો AQI સારો, 51 થી 100 ‘સંતોષકારક’, 101 થી 200 ‘મધ્યમ’, 201 થી 300 ‘ખરાબ’, 301 થી 400 ‘ખૂબ ખરાબ’ અને 401થી 500ની વચ્ચેનો AQI ‘ઘણો જ ગંભીર’ ગણાય છે.
સરકાર દ્વારા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતો જણાતો નથી.
પવનની ધીમી ગતિ અને હવામાં વધુ ભેજને કારણે આ સમયે પ્રદૂષણ વધી રહ્યું છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના અનુમાન મુજબ, દિલ્હી-NCRને પ્રદૂષણથી રાહત મળવાની અત્યારે કોઈ આશા નથી. IMD અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં શુષ્ક હવામાન જોવા મળી રહ્યું છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે. તે જ સમયે અહીં પવનની ગતિ પણ વધી રહી નથી, જેના કારણે પ્રદૂષણ ઉચ્ચ સ્તર પર જ છે.