નેશનલ

પાટનગર ‘પ્રદૂષણ’થી તો પંજાબ ‘પરાળી સળગાવવા’થી પરેશાન

પંજાબમાં 62 દિવસમાં 8,400થી વધુ પરાળી સળગાવવાના બનાવ

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ સૌથી ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે અને દિલ્હી જાણે ‘ગેસ ચેમ્બર’ બન્યું છે, તેમાંય પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સામાં વધારો થયો છે. અત્યારે ખેડૂતો પાસેથી જંગી દંડ વસૂલવા સહિતના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવા છતાં ખેતરોમાં પરાળી સળગાવવાના બનાવો ઘટવાના બદલે ઝડપથી વધી રહ્યા છે. પંજાબમાં છેલ્લા 62 દિવસમાં પરાળી સળગાવવાની કુલ 8404 ઘટનાઓ નોંધાઈ છે. આમાંથી અડધાથી વધુ બનાવો છેલ્લા 14 દિવસ એટલે કે 2 અઠવાડિયા દરમિયાન નોંધાયા છે.

સૌથી વધુ કેસ ફિરોઝપુરમાં
રિમોટ સેન્સિંગ ડેટા અનુસાર પંજાબમાં રવિવારે 400થી વધુ પરાળી સળગાવવાની નવી ઘટનાઓ નોંધાઈ છે. આ નવી ઘટનાઓમાં રાજ્યના ફિરોઝપુરમાં સૌથી વધુ 74 કેસ નોંધાયા છે. ત્યારબાદ ભટિંડામાં 70, મુક્તસરમાં 56, મોગામાં 45 અને ફરિદકોટમાં 30 પરાળી સળગાવવાની સૌથી વધુ ઘટનાઓ નોંધવામાં આવી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 15 સપ્ટેમ્બરથી 17 નવેમ્બર, એટલે કે લગભગ 62 દિવસ દરમિયાન, પંજાબમાં 8404 પરાળી સળગાવવાની ઘટનાઓ બની છે, જે ગયા વર્ષની સરખામણીમાં 75 ટકા ઓછી છે.

પરાળી સળગાવવાના કેસમાં 75 ટકાનો ઘટાડો
જો પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓ અંગે પાછલા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો 2022માં આ દિવસે 966 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં તે જ દિવસે 1,150 ઘટનાઓ બની હતી. તે મુજબ આ વર્ષે ઘટનાઓમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022માં 15 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર સુધી રાજ્યમાં પરાળી સળગાવવાના 47788 હજાર કેસ નોંધાયા હતા અને 2023 માં 33082 બનાવો નોંધાયા હતા.

આ પણ વાંચો : દિલ્હીની હવામાં ઝેર, AQI 500ને પાર, GRAP-4 લાગુ, શાળાઓ બંધ

મેનજમેન્ટે પોલીસ પ્રશાસન પાસે માગ્યો જવાબ
કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાઓને ઘટાડવામાં ઘણી હદ સુધી સફળતા મળી છે. ગામડાઓમાં આવા બનાવો ન બને તે માટે તપાસ કરવામાં આવી રહી છે.

ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં વધારો થતાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ ગયા અઠવાડિયે બે ડેપ્યુટી કમિશનર અને બે વરિષ્ઠ પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવીને આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી. જ્યારે આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પંજાબ સરકારને ફટકાર લગાવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button