
Delhi: દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી OPD સેવાઓ બંધ રાખવાનો નિર્ણય પાછો લીધો છે, હવે OPD રાબેતા મુજબ ચાલુ રહેશે. અગાઉ એવી માહિતી મળી હતી કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે AIIMS અને સફદરજંગ હોસ્પિટલ સહિત કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ચારેય હોસ્પિટલો 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેવાની હતી.
અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત AIIMSની સત્તાવાર સૂચના અનુસાર, કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા જાહેર કરી છે. નોટીસમાં કહેવામાં આવ્યું હતું કે, “તમામ કર્મચારીઓને જણાવવામાં આવે છે કે 22મી જાન્યુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી સંસ્થા અડધા દિવસ માટે બંધ રહેશે. તમામ વિભાગના વડાઓ, એકમ અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ બાબત તમામ કર્મચારીઓના ધ્યાન પર લાવે.”