
નવી દિલ્હી: દિલ્હીની તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ના સ્વાસ્થ્ય અને તબીબી સારવાર અંગે ઉભા થયેલા વિવાદ બાદ, AIIMSના 5 ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. કોર્ટના આદેશ બાદ 23 એપ્રિલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ ડૉક્ટર નિખિલ ટંડન મેડિકલ બોર્ડનું નેતૃત્વ કરી રહ્યા છે. નિખિલ ટંડનને તિહાર જેલના ડીજીના પત્ર પર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એઈમ્સમાંથી પહેલેથી જ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલને સોમવાર 22 એપ્રિલથી દરરોજ લંચ પહેલા 2 યુનિટ લો-ડોઝ ઇન્સ્યુલિન અને રાત્રે જમતા પહેલા 2 યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ હજુ સુધી મેડિકલ બોર્ડને મળ્યા નથી. ટૂંક સમયમાં મેડિકલ બોર્ડની ટીમ તિહાર જેલમાં જઈને કેજરીવાલનું ચેકઅપ કરી શકે છે.
તિહાર જેલના ડૉક્ટરો દરરોજ અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ ચેક કરે છે અને તેમની દેખરેખ રાખે છે. કેજરીવાલને કોર્ટના આદેશ મુજબ માત્ર ઘરે બનાવેલું ભોજન આપવામાં આવી રહ્યું છે. હાલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારી છે.
Read More:
કેજરીવાલને ‘વર્ક ફ્રોમ જેલ’ની મંજૂરી માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ
એવામાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતા સંજય સિંહે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં કહ્યું કે તિહાર જેલ અરવિંદ કેજરીવાલ માટે ટોર્ચર રૂમ બની ગઈ છે.
સંજય સિંહે આ પત્રમાં કહ્યું છે કે તેમને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વડાપ્રધાન કાર્યાલય (PMO) ચોવીસ કલાક કેજરીવાલ પર નજર રાખી રહ્યું છે. એવું લાગે છે કે કોઈ મોટા જાસૂસ કેજરીવાલની જાસૂસી કરી રહ્યા છે.
Read More:
અરવિંદ કેજરીવાલ ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ ખાય છેઃ ઈડીના અધિકારીનું વિચિત્ર નિવેદન
પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને 23 દિવસ સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. શું દિલ્હીની જનતાની સેવા કરવી એ કેજરીવાલનો ગુનો છે? તેની સાથે આ અંગત દુશ્મની શા માટે? શું તમે વિપક્ષના નેતાનો જીવ લઈને ખતમ કરવા માંગો છો? મને દુઃખ છે કે આ બધું વડા પ્રધાન ઓફીસ(PMO) અને એલજીની દેખરેખમાં થઈ રહ્યું છે.