નેશનલ

પીએમ મોદીની અધ્યક્ષતાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાશે, ડેડિયાપાડા તૈયારીઓ શરૂ

નર્મદાઃ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ થશે. આ ઉજવણી દરમિયાન વડાપ્રધાન રૂપિયા 8,400 કરોડથી વધુના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.

આ ઉપરાંત વડાપ્રધાન આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે મળેલી રાજ્યના પ્રધાન મંડળની બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આપણ વાચો: વડા પ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી

કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે

પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીના જણાવ્યાં પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતી અનેક ઐતિહાસિક ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, બંધારણ અંગીકરણના 75 વર્ષ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી તેમજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

આદિજાતિ સમાજના વિકાસ માટે અનેક મહત્વના પગલાં લેવાયા

વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને સમાજના છેવાડાના, વંચિત અને આદિજાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હરહંમેશ પ્રયાસો કર્યા છે. એટલું જ નહીં, તેમણે આદિજાતિએ આઝાદી સંગ્રામમાં આપેલા યોગદાનને બિરદાવીને ‘વિરાસત ભી વિકાસ ભી’ના મૂળ મંત્રને સાર્થક કર્યો છે.

આઝાદીના દશકો સુધી આદિજાતિઓની ઉપેક્ષા થતી રહી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિજાતિ સમાજના વિકાસ તથા તેમનું ગૌરવ વધારવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. જે અંતર્ગત વર્ષ 2021થી તારીખ 15, નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને સમગ્ર દેશમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આપણ વાચો: બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ: ૧૪ જિલ્લાઓના ૮૮ ગામોમાં ભ્રમણ કરશે ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’

14 આદિજાતિ વિસ્તારોના બે રૂટમાં જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન

ભગવાન બિરસ મુંડાની 150 વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં તારીખ 01 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન વિવિધ રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તારીખ 07થી 13 નવેમ્બર સુધી રાજ્યના 14 આદિજાતિ વિસ્તારોમાં બે રૂટમાં જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. એક યાત્રાનો પ્રારંભ અંબાજીથી તથા બીજી યાત્રાનો પ્રારંભ ઉમરગામથી કરવામાં આવ્યો છે.

આપણ વાચો: બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું નિધન, PM મોદી અને CM સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી…

આ યાત્રા દરમિયાન 5.95 લાખથી વધુ લોકોએ ભાગ લીધો

આ બંને રૂટની યાત્રાઓને રાજ્યના નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા દરમિયાન અંદાજે 5.95 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ યાત્રા અંતર્ગત 82 આરોગ્ય શિબિર, 51 સેવા સેતુ અને 2,522 સ્થળોએ સફાઈ-સ્વચ્છતા અભિયાનમાં પણ લાખો નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ યાત્રાઓનું આવતી કાલ તારીખ 13 નવેમ્બરના રોજ એકતાનગર ખાતે સમાપન થશે.

ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટ્ય પણ રજૂ થશે

આ ઉજવણી નિમિત્તે 20 બિનઆદિજાતિ જિલ્લાઓમાં પણ તારીખ 13થી 15 નવેમ્બર સુધી સેવાસેતુ, આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન અને બિરસા મુંડાના જીવન પર આધારિત નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં, દેવમોગરા માતાજીના સાંનિધ્યમાં ડેડિયાપાડા ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણીમાં તારીખ 15 નવેમ્બરે એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ રાજ્ય પ્રધાન મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો તેમંજ વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અન્ય કાર્યક્રમો યોજાશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button