દાયકાઓની પ્રતિક્ષા બાદ આ વર્ષે રામ લલ્લા બિરાજમાન થયા અયોધ્યામાં; આ મંદિર પણ રહ્યું ચર્ચામાં
નવી દિલ્હી: વર્ષ 2024 નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, આવતા માસમાં વિશ્વ 2025 ના વર્ષમાં પ્રવેશ કરશે. નવું વર્ષ ઘણી નવી આશાઓ લઈને આવશે, તો આ વર્ષ ઘણી યાદો લઈને છોડીને જશે. આ વર્ષે ઘણી ઘટનાઓ ઘટી, અનેક મુદ્દાઓ ચર્ચામાં આવ્યા. જેમાં ધાર્મિક મુદ્દાઓની વાત કરીએ તો બે મંદિર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. એક મંદિર સદીઓ સુધી યાદ રહે તેવા ઇતિહાસથી યાદ રહ્યું તો બીજું મંદિર વિવાદોના ઘેરાથી.
તિરૂપતી બાલાજી મંદિર
આંધ્ર પ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તિરૂપતિ બાલાજીના દર્શન કરવા માટે દૈનિક ભક્તોની ભારે ભીડ જામે છે. તિરુપતિ બાલાજી મંદિરની ગણના વિશ્વના સૌથી અમીર મંદિરોમાં થાય છે. આ મંદિરમાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ સ્થાપિત છે. ધાર્મિક માન્યતા છે કે જે પણ ભક્ત સાચી શ્રદ્ધા સાથે તિરુપતિ બાલાજીના દર્શન માટે આવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
તિરુપતિ મંદિરના પ્રસાદમ એટલે કે લાડુને પણ ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે લાડુનો પ્રસાદ ચડાવ્યા વિના તિરુપતિ બાલાજીના દર્શન પૂર્ણ થતા નથી. પરંતુ આ વર્ષે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. તિરુપતિના પ્રસાદમાં ભેળસેળના સમાચાર સાંભળીને ભક્તો દંગ રહી ગયા હતા. પ્રસાદમ લાડુને તિરુપતિ બાલાજીના આશીર્વાદ તરીકે પણ જોવામાં આવે છે.
રામ મંદિર અયોધ્યા
આ વર્ષની શરૂઆતમાં જ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આશરે 500 જેટલા વર્ષો બાદ જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે ઐતિહાસિક ક્ષણની સાથોસાથ રામ મંદિર વિવાદોમાં પણ ઘેરાયું હતું. લોકો વર્ષોથી જેની રાહ જોતા હતા કે અયોધ્યામાં મંદિર બનશે અને રામ લલ્લા ત્યાં બિરાજશે. આ કરોડો ભક્તોનું સ્વપ્ન આ વર્ષે પૂર્ણ થવાનું હતું.
આ પણ વાંચો…ભારતને ગૌરવ અપાવનાર કોમેડિયન Kabir’Kabeezy’Singh નું 39 વર્ષે અચાનક નિધન
22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમિ માનવામાં આવે છે પરંતુ જન્મસ્થળ પર બાબરી મસ્જિદ અને તેના વિવાદને લઈને અત્યાર સુધી અહીં મંદિર બની શક્યું નહોતું. કોર્ટમાં લાંબી લડાઈ અને સંઘર્ષ બાદ રામ લલ્લાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 5 વર્ષના બાળ રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે, જે 51 ઈંચ ઊંચી છે.