ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે

મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ શરુ થયો હતો, ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) શરુ કરીને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ બંને પક્ષોએ એ એક બીજા પર ડ્રોન અને રોકેટ હુમલા શરુ કર્યા હતાં, બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ ઉભી થઇ હતી. એવામાં દુનિયાભરના દેશોએ ભારત અને પાકિસ્તાનને શાંતિ સંયમ રાખવા અપીલ કરી હતી. એવામાં ગઈ કાલે 10મી મેની સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ(India-Pak ceasefire)ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદથી સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi) વિષે ચર્ચા ચાલી રહી છે.
અમેરિકાના દાવા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગઈ કાલે બપોરે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાતચીત બાદ, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.’
ઇન્દિરા ગાંધીના નિવેદનો વાયરલ:
ટ્રમ્પે આ જાહેરાત કાર્ય બાદ ભારત અને પાકિસ્તાનની સરકારોએ પણ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. જોકે રાત્રે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલંઘન કરવામાં આવ્યું હતું, જેની સામે ભારતે ચેતવણી જાહેર કરી હતી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે તત્કાલીન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નિવેદનો વાયરલ થયા હતાં, આ અંગે ઘણી ડીબેટ્સ પણ શરુ થઇ હતી.

ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યાના ચાર દિવસમાં જ યુદ્ધવિરામ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તા, સમર્થકો અને કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને બિરદાવી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ઇન્દિરા ગાંધીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન(Rechard Nixon)ની યુદ્ધ વિરામની અપીલ ફગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ ઇન્દિરા ગાંધીને ‘લોખંડી સ્ત્રી’ (Iron Lady) ગણાવતા, વડાપ્રધાન મોદી સાથે સરખામણી કરી રહ્યા છે.
ઇન્દિરા ગાંધીએ નિક્સનને આપ્યો હતો કડક જવાબ:
કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પરથી ઇન્દિરા ગાંધી અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનનો ફોટો શેર કર્યો છે. આ ફોટા સાથે કોંગ્રેસે લખ્યું છે કે, ‘ઇન્દિરા ગાંધીએ નિક્સનને કહ્યું હતું – અમારી કરોડરજ્જુ સીધી છે. અમારી પાસે દરેક અત્યાચારનો સામનો કરવાની ઇચ્છાશક્તિ અને સંસાધનો છે. એ સમય ચાલ્યો ગયો જ્યારે ત્રણ-ચાર હજાર માઇલ દૂર બેઠેલો દેશ ભારતીયોને તેની ઇચ્છા મુજબ કાર્ય કરવાનો આદેશ આપે.’
કોંગ્રેસે પોસ્ટમાં લખ્યું, ‘આ હિંમત હતી. ભારત માટે મક્કમ રહવાનું ને દેશની ગરિમા સાથે સમાધાન ન કરવું.’
કોંગ્રેસ સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ UPSC કોચિંગ કોચ વિકાસ દિવ્યકીર્તિનો જૂનો વીડિયો પણ શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં વિકાસ દિવ્યકીર્તિ કહી રહ્યા છે કે એક મહિલા વડાપ્રધાન બની અને તેમણે પાકિસ્તાના બે ભાગ કરી દીધા. બીજા લોકો કહેતા રહે છે કે તેઓ સર્જિકલ સ્ટ્રાઈક કરશે. ઇન્દિરા ગાંધી બોલ્યા નહીં કરી બતાવ્યું.
શશી થરૂરે શું કહ્યું?
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે 1971 એક મહાન સિદ્ધિ હતી, ઈન્દિરા ગાંધીએ ઉપખંડનો નકશો ફબદલી નાખ્યો, પરંતુ એ પરિસ્થિતિઓ અલગ હતી. બાંગ્લાદેશ એક નૈતિક હેતુ માટે લડી રહ્યું હતું, અને બાંગ્લાદેશને આઝાદ કરાવવું એ તેમનો એક સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. ફક્ત પાકિસ્તાન પર ગોળીબાર કરવો ઉદ્દેશ્ય ન હતો.

સરખામણી કેટલી યોગ્ય?
જોકે સોશિયલ મીડિયા પર એવા પણ મંતવ્યો શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં વર્ષ 1971 અને વર્ષ 2025ની સ્થિતિની સરખામણી કરવી યોગ્ય નથી. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, જ્યારે બાંગ્લાદેશની રચના થઈ ત્યારે સોવિયેત સંઘ(USSR) અસ્તિત્વમાં હતું, ભારતને સોવિએત સંઘનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત હતું. પરંતુ 1991 માં તેનું વિઘટન થયું અને પછી રશિયાની અલગ થઇ ગયું.
હાલ રશિયા પાસે સોવિયેત યુનિયન જેટલી તાકાત રહી નથી. એ સમયે ભારત કે પાકિસ્તાન પાસે પરમાણું શાસ્ત્રો ન હતાં. આ ઉપરાંત હાલ ગ્લોબલાઇઝેશનને કારણે યુદ્ધથી વૈશ્વિક અર્થતંત્રને પણ ફટકો પડી શકે છે, જેને કારણે બંને દેશો પર યુદ્ધ ન કરવા દબાણ છે.
આ પણ વાંચો….ચીનના વિદેશ પ્રધાને NSA ડોભાલ સાથે વાત કરી, બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી…