નેશનલ

જૈન ધર્મમાં ‘સંથારા’ હેઠળ ઉપવાસ બાદ ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ, જાણો શું છે મામલો?

ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક એવી આઘાતજનક ઘટના બની હતી જેનાથી જૈન ધર્મની સદીઓ જૂની ‘સંથારા’ પ્રથા પર સવાલો ઉઠી રહ્યા છે. ટર્મિનલ બ્રેઈન ટ્યુમરથી પીડાતી ત્રણ વર્ષની એક બાળકીને તેના માતા પિતાએ જૈન મુનીની સલાહ હેઠળ સંથારામાં હેઠળ ઉપવાસ કરાવ્યો હતો, ત્યાર બાદ બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને કારણે સંથારા પ્રથા સામે સવાલો ઉભા થયા છે, ખાસ કરીને સગીરોના સંદર્ભમાં.

એક અહેવાલ મુજબ આ ઘટના 21 માર્ચે ઇન્દોરમાં બની હતી, પરંતુ આ અઠવાડિયે ધ્યાનમાં આવી હતી. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે બાળકી વિયાના જૈનને “જૈન વિધિ સંથારાનું વ્રત લેનારી વિશ્વની સૌથી નાની વ્યક્તિ” જાહેર કરતું પ્રમાણપત્ર આપ્યું હતું, ત્યાર બાદ વિવાદ શરુ થયો હતો.

સંથારાને સમાધિ મારણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હેઠળ ખોરાક અને પાણીનો ધીમે ધીમે ત્યાગ કરીને સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાનું ધાર્મિક વ્રત છે, જેને જૈન ધર્મમાં આત્માને શુદ્ધ કરવાના માર્ગ તરીકે જોવામાં આવે છે.

આપણ વાંચો: જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં

IT કંપનીમાં કામ કરતા બાળકીના માતાપિતા પીયૂષ જૈન (35) અને વર્ષા જૈન (32) એ તેમના ગુરુ જૈન સાધુ રાજેશ મુનિ મહારાજની સલાહ પર આ નિર્ણય લીધો હતો. બાળકીના મૃત્યું બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું ત્રણ વર્ષની બાળકી મૃત્યુનો અર્થ સમજી શકે છે? અને જો નહીં, તો તેના માટે આ પ્રથાની પસંદગી કરવાનો અધિકાર કોને છે?

અહેવાલ મુજબ રાજેશ મુનિ મહારાજે દાવો કર્યો હતો કે વિયનામાં 50 વર્ષની વૃદ્ધા જેટલી ધાર્મિક સમજ હતી. રાજેશ મુનિ મહારાજના માર્ગદર્શન હેઠળ 100 થી વધુ લોકોએ ‘સંથારા’નું વ્રત લઇ ચુક્યા છે. જોકે, કાયદાકીય નિષ્ણાતોએ આ મામલે સવાલો ઉઠાવ્યા છે.

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે બાળકીના મૃત્યુ બાદ તેને પ્રમાણપત્રથી સન્માનિત કરી હતી, જેના કારણે તેની ટીકા થઈ રહી છે. લોકો તેને ખુબ જ દુઃખદ ગણાવી રહ્યા છે.

આપણ વાંચો: મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…

બાળકીના માતા-પિતા એ શું કહ્યું?

બાળકીના માતાપિતાના જણાવ્યા મુજબ, ગયા વર્ષે ડિસેમ્બરમાં વિયાનાના બ્રેન ટ્યુમરનું નિદાન થયું હતું. જાન્યુઆરીમાં મુંબઈમાં સર્જરી કરાવ્યા બાદ, માર્ચમાં તેની સ્થિતિમાં થોડા સમય માટે સુધારો થયો અને પછી ફરીથી સ્થિતિ બગડી હતી. 21 માર્ચે તમામ મેડિકલ પ્રયાસો નિષ્ફળ ગયા પછી, પરિવારે આ માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હતો.

એક મીડિયા સંસ્થાને બાળકીના પિતા પિયુષ જૈને કહ્યું “મહારાજજીએ મારી દીકરીની સ્થિતિ જોઈ અને અમને કહ્યું કે છોકરીનો અંત નજીક છે અને તેને સંથારા વ્રત કરાવવું જોઈએ, જૈન ધર્મમાં આ વ્રતનું ખૂબ મહત્વ છે. તેના વિશે વિચાર કર્યા પછી, અમે આખરે સંમત થયા.”

વિયાનાની માતાએ કહ્યું કે તેમની પુત્રી ઘણા દિવસોથી ખાઈ કે પી પણ શકતી ન હતી. તેમણે કહ્યું “અમે તેને દુઃખી થતી જોઈ રહ્યા હતા. આ પીડાદાયક નિર્ણય હતો. હું ઈચ્છું છું કે મારી દીકરી તેના આગામી જન્મમાં ખુશ રહે.”

આપણ વાંચો: વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું

21 માર્ચે થયું મૃત્યુ:

અહેવાલ મુજબ 21 માર્ચના રોજ રાત્રે 9.25 વાગ્યે ઇન્દોરના આશ્રમમાં આ વિધિ શરુ થઇ હતી. દીક્ષા શરૂ થયાના માત્ર 40 મિનિટ પછી, વિયાનાનું રાત્રે 10.05 વાગ્યે અવસાન થયું હતું. બાળકીના માતાપિતા આ ધાર્મિક વિધિને આધ્યાત્મિક વિદાય ગણાવી રહ્યા છે, ત્યારે બાળ અધિકારોના સમર્થકોએ અને મેડિકલ પ્રેકટીસનરોએ આ પ્રથા સામે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે.

પોલીસ ઘટનાથી અજાણ:

શહેર પોલીસનું કહેવું છે કે તેમને આ ઘટના વિશે જાણ કરવામાં આવી ન હતી. શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે “અમારી પાસે આ ‘સંથારા’નો કોઈ રેકોર્ડ નથી. કોઈએ સ્થાનિક પોલીસ સ્ટેશન કે વહીવટીતંત્રને જાણ કરી ન હતી.”
માતાપિતા કે ગુરુ સામે કાર્યવાહી થશે?

આપણ વાંચો: રાજકોટમાં જૈન વિઝનની ઉમદા પહેલ, 251 વંચિત બાળકોને ફનવર્લ્ડની પિકનિક કરાવી

મધ્યપ્રદેશ બાળ અધિકાર આયોગના સભ્યએ કહ્યું કે આ એક ધાર્મિક પ્રથા છે જે પુખ્ત વયના લોકો માટે છે, ખાસ કરીને વૃદ્ધો માટે. બાળક આ પ્રથા માટે સંમતિ આપી શકે નહીં. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું આ બાળ સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન છે કે નહીં, બાદમાં આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના એક ડોકટરે જણાવ્યું કે બાળકી ક્રિટીકલ કેર હેઠળ હોસ્પિટલમાં હોવી જોઈતી હતી. બાળકી પહેલેથી જ ગંભીર સ્થિતિમાં હતી. સંથારા એ પુખ્ત વયના લોકો માટે પણ એક પિડાદાયક શારીરિક અને માનસિક રીત છે. એક નાનું બાળક આ કેવી રીતે સહન કરી શકે.

આ મામલે વિવાદ થતા મધ્ય પ્રદેશ બાળ અધિકાર આયોગે કહ્યું છે કે તે ટૂંક સમયમાં નિર્ણય લેશે કે માતાપિતા સામે કાનૂની કાર્યવાહીની ભલામણ કરવી કે ગુરુ સામે.

હાઈકોર્ટે લગાવ્યો હતો પ્રતિબંધ:

ઓગસ્ટ 2015 માં, રાજસ્થાન હાઈકોર્ટે ‘સંથારા’ ને ગેરકાયદેસર ઠેરવ્યું હતું, તેને ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા સમાન ગણાવ્યું હતું. પરંતુ જૈન સમુદાયના દેશવ્યાપી વિરોધ બાદ બીજા મહિને સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી હતી.

મહત્વની વાત એ છે કે, આમાંથી કોઈ પણ ચુકાદામાં સગીરોને ‘સંથારા’ લેવાના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી. ભારતીય કાયદો ફક્ત દુર્લભ કેસમાં કોર્ટની મંજૂરી, સ્પષ્ટ મેડિકલ પુરાવા અને પુખ્ત વયના વ્યક્તિની સંમતિ બાદ નિયંત્રિત પરિસ્થિતિઓ હેઠળ પણ પેસિવ યુથેનેશિયા (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ)ની મંજૂરી આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button