ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ: સોનિયા, રાહુલ, ખડગે સહિત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.
આજે 31મી ઓક્ટોબરે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની 39મી પુણ્યતિથિ છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ આજે મંગળવારે ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશના નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ દિલ્હીના ‘શક્તિ સ્થળ’ પહોંચ્યા અને ઈન્દિરા ગાંધીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન અને અમારા આદર્શ ઇન્દિરા ગાંધીને તેમના બલિદાન દિવસ પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે મજબૂત ઇચ્છાશક્તિ, કાર્યક્ષમ નેતૃત્વ, અનન્ય કાર્યશૈલી અને દૂરદર્શિતા સાથે મજબૂત અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્દિરા ગાંધીએને યાદ કરતા એક્સ પર લખ્યું કે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર આપણે યાદ કરીએ.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે તેમના દાદી અને દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે તેમની તાકાત તેમની દાદી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લગભગ ચાર દાયકા જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ તેની દાદીના પાર્થિવ દેહની પાસે ઊભા રહીને રડતા જોવા મળે છે. આ વીડિયો 1984નો છે અને તે સમયે રાહુલ ગાંધી 14 વર્ષના હતા.
રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘હું હંમેશા એ ભારતની રક્ષા કરીશ જેના માટે તમે સર્વસ્વ બલિદાન કરી દીધું. તમારી યાદો મારા હૃદયમાં હંમેશા મારી સાથે છે.’
આ સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધના અશોક ગેહલોતે પણ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC)ના પ્રમુખ શ્રીનિવાસ બીવી અને અન્ય યુવા કાર્યકરોએ પણ શક્તિ સ્થળ પર ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેઓ જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી વડા પ્રધાન પદ પર રહ્ય હતા. આ પછી, તેઓ 1980 માં ફરીથી વડા પ્રધાન બન્યા. 31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા હત્યા કરી હતી.