
થિરુવનંતપુરમ (કેરળ): કેરળના અલપ્પુઝામાંથી એક દિલ હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. આ જિલ્લાના થલાવડી ગામમાં બે બાળકો સહિત એક પરિવારના ચાર સભ્યો તેમના ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોની ઓળખ સુનુ, સૌમ્યા અને તેમના બે બાળકો આદિ અને આદિલ તરીકે થઈ છે. પોલીસે બનાવ અંગે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પતિ, પત્નીના મૃતદેહો રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા અને બંને બાળકોના મૃતદેહ પલંગ પર ચાદરમાં લપેટાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ પરિવાર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સૌમ્યા નર્સ તરીકે કામ કરતી હતી અને તે બ્લડ કેન્સરની સારવાર લઈ રહી હતી. દરમિયાન અકસ્માત બાદ સુનુને કરોડરજ્જુની તકલીફ થઇ હતી. બંનેની સારવાર ચાલી રહી હતી, જેને કારણે તેઓ પૈસેટકે ઘસાઇ ગયા હતા. પૈસાની તંગી હોવાથી તેમનું જીવવું મુશ્કેલ બની રહ્યું હતું.
ગુરુવારે સાંજે, દંપતીએ તેમના એક મિત્રને ફોન કર્યો હતો, જે સૌમ્યા સાથે લોહી ચઢાવવા માટે સાથે રહેતો હતો અને તેને શુક્રવારે સવારે 10 વાગ્યા પછી આવવાનું કહ્યું હતું. પરિવારના ઘરની બાજુમાંજ સુનુની માતા રહેતી હતી. શુક્રવારે સવારે જ્યારે સુનુના ઘરમાં કંઇ અવાજ કે ચહલપહલ ના જોવા મળી ત્યારે તેની માતાએ સુનુના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો, પણ અંદરથી કંઇ જવાબ ના મળતા તેણે પડોશઈની મદદથી દરવાજો ખોલ્યો હતો અને અંદરનું દ્દશ્ય જોઇને ચોંકી ઊઠી હતી. ઘરની અંદર ચારે જણ મોતની આગોશમાં પહોંચી ગયા હતા. સુનુની માતાએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ ચાલુ કરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
તાજેતરમાં કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.