ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસાનું નીકળ્યું દાઉદ કનેક્શન, NIAની તપાસમાં થયો મોટો ખુલાસો

કેનેડા એક એવો દેશ છે જે દુર્ભાગ્યે ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટરોનો અડ્ડો બની રહ્યું છે. ભારત વિરોધી એજન્ડા ચલાવવા માટે અનેક મોટા માથા કેનેડાનો વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે અને હવે એક મીડિયા અહેવાલ મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કાર્યવાહીમાં કેનેડાથી સંચાલિત ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે પણ કનેક્શન બહાર આવ્યું છે.
હાલમાં જ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓ માટે સેફ હેવન બની ગયું છે. NIAની તપાસમાં પણ બહાર આવ્યું છે કે પ્રતિબંધિત આંતકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને યુરોપ અને નોર્થ અમેરિકામાં રહેનારા શીખ સમુદાય ફંડ આપે છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે કેનેડામાં અલગ અલગ શહેરોમાં શીખ રેલીઓ અને પ્રદર્શનો કરીને પણ ભંડોળ એકઠું કર્યું હતું જેનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે થઇ રહ્યો હતો. આ સંગઠનનું પહેલું યુનિટ વર્ષ 1981માં કેનેડામાં સ્થાપવામાં આવ્યું હતું.
NIA દ્વારા આ સંગઠનના દાઉદ સાથેના કનેક્શનનો ખુલાસો તો કરવામાં આવ્યો છે, તેની સાથે સાથે એવી વિગતો પણ બહાર આવી છે કે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે દાઉદ ઇબ્રાહિમ દ્વારા અન્ય પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કરે-તૈયબ અને ઇન્ડિયન મુજાહીદ્દીનની મદદથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો. વર્ષ 2002માં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના લખબીર સિંહના નજીકના ગણાતા ઇકબાલ બંટીને અબ્દુલ કરીમ ટુંડા કરાંચીમાં દાઉદના બંગલા પર લઇ ગયા હતા જ્યાં તેમની વચ્ચે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિની યોજનાઓ બનાવવા બેઠક પણ થઇ હતી.
પાકિસ્તાન સિવાય પણ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના તાર ઉત્તર અમેરિકા, યુરોપ, યુકે અને સ્કેન્ડિનેવિયા સુધી ફેલાયેલા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પાકિસ્તાનમાં હાજર બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ચીફ વાધવા સિંહ અને ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા હરિન્દર સિંહ રિંદા બંનેએ આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ માટે આઈએસઆઈ સાથે હાથ મિલાવ્યા હતા અને તેઓ વર્ષ 2020થી એક્ટિવ છે.
બબ્બર ખાલસા એ ભારત અને બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન છે જેની સ્થાપના વર્ષ 1978માં થઇ હતી. આ સંગઠને 70-80ના દાયકામાં પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જો કે 90ના દાયકામાં તેનો ભારતમાં પ્રભાવ ઘટવા લાગ્યો હતો અને તેના મોટા માથા ગણાતા સુખબીર સિંહ બબ્બર અને તલવિંદર સિંહના મોત થતા આ સંગઠન નિષ્ક્રિયતા તરફ જતું રહ્યું હતું.