નેશનલ

રાજસ્થાનના દૌસામાં ભયાનક માર્ગ અકસ્માત: એક જ ગામના 6 મિત્રોના કરુણ મોત

દૌસા: રાજસ્થાનના દૌસા જિલ્લામાં નેશનલ હાઈવે-21 પર મંગળવારે મોડી રાત્રે એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા મિત્રોની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. હાઈવે પર થયેલા એક ભીષણ અકસ્માતે છ યુવાનોના જીવનનો દીવો બુઝાવી દીધો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એક જ ગામના છ આશાસ્પદ યુવાનોના નિધનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ અકસ્માત કેલાઈ ગામ પાસે સર્જાયો હતો. લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહેલા મિત્રોની કાર અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી અને ડિવાઈડર તોડીને હાઈવેની બીજી તરફની લેનમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજ્ઞાત ટ્રેલરે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે મહેનત બાદ કારના પતરા ચીરીને યુવાનોને બહાર કાઢ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ યુવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિકંદરા હોસ્પિટલમાં ડોક્ટરોએ લોકેશ, દિલખુશ, મનીષ અને અંકિતને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સમય નામના યુવાને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ છઠ્ઠા યુવક નવીનને વધુ સારવાર માટે જયપુર રેફર કરવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તે પણ જિંદગીની જંગ હારી ગયો હતો. આમ, એક પછી એક તમામ 6 મિત્રો કાળનો કોળિયો બની ગયા હતા.

મૃત્યુ પામેલા તમામ છ યુવાનો દૌસાના કાલાખોહ ગામના રહેવાસી હતા. એક જ ગામના છ રત્નો ગુમાવ્યા હોવાના સમાચાર મળતા જ ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. દરેકના ઘરમાં આક્રંદ અને રુદન જોવા મળી રહ્યું છે. જે મિત્રો થોડીવાર પહેલા લગ્નમાં સાથે નાચતા-ગાતા હતા, તેમની એકસાથે અંતિમયાત્રા નીકળશે તે વિચારીને જ ગ્રામજનોની આંખો ભીની થઈ ગઈ છે. પરિવારજનોની હાલત અત્યંત દયનીય છે અને સમગ્ર ગામમાં માતમ છવાયો છે.

અકસ્માત બાદ નેશનલ હાઈવે-21 પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. એસપી સાગર રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. પોલીસે અજ્ઞાત ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button