દીકરી વ્હાલનો દરિયોઃ દીકરીને ભેટ આપવા આ બાપે જે કર્યું તે જોઈને તમારી આંખો છલકાશે

તમીળનાડુઃ માતાને પુત્ર વ્હાલો હોય અને પિતાને પુત્રી. પિતાના પ્રેમના ભલે ગીત ન ગવાયા હોય પણ સંતાન માટે તે એટલી જ જહેમત ઉઠાવતો હોય છે જેટલી મા. પિતા હંમેશાં દીકરી પ્રત્યે વધારે પ્રેમ ધરાવતો હોય છે. આવા જ એક પિતાએ પોંગલના તહેવારે દીકરીને ભેટ આપવા જે મહેનત કરી તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સૌ કોઈ વખાણી તો રહ્યા છે, પરંતુ તેમનો પ્રેમ જોઈ આંખો પણ ભીની થયા વિના રહેતી નથી.
તમીળનાડુમાં રહેતા ચેલ્લાદુરાઈ નામના વયસ્ક તેમની પુત્રી માટે પોંગલ ગિફ્ટ લઈને પહોંચ્યા જે તમે ક્યારેય જોઈ કે સાંભળી નહી હોય. ચેલ્લાદુરાઈએ શેરડીના બંડલની વિધિવત પૂજા કરી, પછી શેરડીનું બંડલ તેમના માથા પર મૂક્યું અને તેમની પુત્રી માટે 14 કિલોમીટરનું અંતર સાયકલથી કાપી નાખ્યું. પોતાનો હરખ વ્યક્ત કરતા પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી સુંદરપાલના લગ્નને દસેક વર્ષ થયા છે.
તેમને લગ્નના લાંબા સમય સુધી સંતાન ન હતું ત્યારે થોડા સમય પહેલા જ તેમની દીકરીએ જોડીયા બાળકોને જન્મ આપ્યો છે. આથી હું તેમની માટ આ ભેટ લઈને જવાની તૈયારી ઘણા દિવસોથી કરી રહ્યો હતો. હું સ્વસ્થ છું અને સાયકલ ચલાવી શકું છું આથી મેં આ રીતે જ જવાનું નક્કી કર્યું. એક વયસ્ક વ્યક્તિને સાયકલ ચલાવતા અને માથા પર શેરડીનો ભારો લઈને જતા લોકોને આશ્ચર્ય પણ થયું અને લોકોએ તેમને ઉત્સાહીત પણ કર્યા.
દક્ષિણ ભારતમાં, પોંગલનો તહેવાર મકરસંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે અને તે ચાર દિવસ સુધી ચાલે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. દક્ષિણ ભારતમાં, લોકો લણણી પછી નવા ખોરાકના આગમનની ઉજવણી કરે છે અને વરસાદ, સૂર્યપ્રકાશ, સૂર્ય, ભગવાન ઇન્દ્ર, તેમજ ખેતરના પ્રાણીઓની પૂજા કરે છે.
એક તરફ સૂચના સેઠ નામની અત્યાધુનિક અને ઉચ્ચ શિક્ષિત મહિલા પોતાના ચાર વર્ષના દીકરાની કથિત હત્યા કરતી જોવા મળે છે ત્યારે આ ગામડામાં રહેતા લગભગ ઓછા શિક્ષિત બાપનો સંતાનપ્રેમ સૌ કોઈને ભાવવિભોર કરી નાખે તેવો છે.