
નવી દિલ્હી: દેશની જાણીતી પાન મસાલા બ્રાન્ડ ‘કમલા પસંદ’ અને ‘રાજશ્રી’ના માલિક કમલ કિશોરના પરિવારમાં એક દુઃખદ ઘટના બની છે. દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતા તેમના પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (ઉંમર ૪૦ વર્ષ)એ આત્મહત્યા કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મંગળવારે સાંજે દીપ્તિનો મૃતદેહ તેમના નિવાસસ્થાને ચૂંદડી વડે લટકાવેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાથી વેપારી વર્તુળમાં અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, દીપ્તિ ચૌરસિયાનો તેમના પતિ હરપ્રીત ચૌરસિયા સાથે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. આ દંપતીના લગ્ન વર્ષ 2010માં થયા હતા અને તેમને એક 14 વર્ષનો પુત્ર પણ છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોટમાં દીપ્તિએ કોઈના પર સીધો આરોપ લગાવ્યો નથી, પરંતુ પ્રેમ અને વિશ્વાસ જેવી ભાવનાત્મક વાતો લખી છે. નોટમાં લખવામાં આવ્યું છે કે, “જો કોઈ સંબંધમાં પ્રેમ ન હોય, વિશ્વાસ ન હોય, તો પછી સંબંધમાં રહેવાનું અને જીવવાનું કારણ શું છે?”
પ્રાથમિક તપાસમાં પોલીસ આ મામલાને આત્મહત્યા ગણી રહી છે, પરંતુ ઘટનાના તમામ પાસાઓની ગહન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે દીપ્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હાલ પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મૃતક દીપ્તિ ચૌરસિયા કોઈ માનસિક તણાવ અથવા અન્ય કોઈ ગંભીર પારિવારિક સમસ્યાથી પીડાઈ રહ્યા હતા કે કેમ. આ હાઈ-પ્રોફાઈલ કેસ હોવાથી પોલીસ બહુ ધ્યાનપૂર્વક તમામ પુરાવાઓ અને સંજોગોની ચકાસણી કરી રહી છે, જેથી આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.
દીપ્તિના પતિ હરપ્રીત ચૌરસિયા સાથે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, પોલીસ તેમના નિવેદન અને પૂછપરછ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. સામાન્ય રીતે પારિવારિક વિવાદોમાં લેવાતા આવા આત્મઘાતી પગલા પાછળનું સાચું કારણ માત્ર સુસાઇડ નોટમાંથી જ જાણી શકાય તેવું હોતું નથી. તેથી, પોલીસ પરિવારજનો, નજીકના મિત્રો અને સંબંધોની તપાસ કરીને દીપ્તિના છેલ્લા દિવસોના માનસિક સ્વાસ્થ્ય અને સ્થિતિ વિશે માહિતી એકઠી કરી રહી છે. આ કેસમાં પોલીસની વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આત્મહત્યાના રહસ્ય પરથી પડદો ઊંચકાશે.



