બેંગ્લુરુના બિલ્ડિંગમાં સિલિન્ડર બ્લાસ્ટ, જીવ બચાવવા વ્યક્તિએ ચોથા માળેથી લગાવી છલાંગ
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી છે. બેંગલુરુના પોશ વિસ્તાર કોરામંગલાની એક બિલ્ડિંગના ચોથા માળે આવેલા એક પબમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એક વ્યક્તિએ બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ ઈમારતમાં એક પબ આવેલું છે જેની અંદરના કેફેમાં એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે બિલ્ડીંગમાં આગ લાગી હતી. રસ્તા પરથી જાણે આખું બિલ્ડિંગ આગના ગોળામાં પરિવર્તિત થઇ ગયું હોય તેમ લાગતું હતું.
બિલ્ડિંગમાંથી કૂદનારા શખ્સ અને અન્ય એક શખ્સને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ વ્યક્તિ હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક ફાયરની ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરી દેવાઇ હતી. ઇમારતની આસપાસના લોકોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.