બંગાળની ખાડીમાં મોસમનો મિજાજ બદલાયો: જાણો ગુજરાત, મહારાષ્ટ્ર પર શુ અસર થશે?

નવી દિલ્હી: નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ચક્રવાતી ગતિવિધિઓ થતી હોય છે. આ વર્ષે પણ કઈક એવી જ હવામાન પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. બે મુખ્ય હવામાન સિસ્ટમ સક્રિય થવાથી આવાનાર દિવસોમાં ભારતના ઘણા રાજ્યો પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પૈકી, મલક્કા સ્ટ્રેટ અને તેની આસપાસ બનેલું એક ડીપ ડિપ્રેશન ટૂંક સમયમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી પ્રબળ સંભાવના છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટની સ્થિતિ ઊભી થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના અપડેટ મુજબ, જો આ ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે, તો તેને સેન્યાર નામ આપવામાં આવશે. સેન્યાર શબ્દનો અર્થ ‘સિંહ’ થાય છે, અને આ નામ ઉત્તરી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણમાં ભાગ લેતા 13 દેશો પૈકીના એક એવા સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા સૂચવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ ધીમે ધીમે તીવ્ર બનીને ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે, જે દરમિયાન 60 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
IMD Weather Warning
— India Meteorological Department (@Indiametdept) November 26, 2025
Cyclonic Storm “Senyar” is active over the Strait of Malacca. Heavy to very heavy rainfall is likely over the Andaman & Nicobar Islands on Nov 26–27, and heavy rain on Nov 28–29, 2025.
Stay alert, stay safe, and follow official advisories. pic.twitter.com/KdizyzzFca
આંદામાન-નિકોબારમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાનની બે સક્રિય પ્રણાલીઓમાંની એક, મલક્કા સ્ટ્રેટ નજીક સક્રિય છે, જે આંદામાન સાગર અને દક્ષિણ ચીન સાગરને જોડતા એક મહત્વપૂર્ણ ભૌગોલિક સ્થાન પર આવેલી છે. આ સિસ્ટમની સીધી અસર આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર જોવા મળી રહી છે. હવામાન વિભાગે 26 અને 27 નવેમ્બર દરમિયાન અહીં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને દરિયામાં કરંટ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સ્થાનિક પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે અને નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. 28 નવેમ્બર પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ ત્યાં સુધી હવામાન અત્યંત અસ્થિર રહેશે.
તમિલનાડુ અને દક્ષિણ ભારતમાં અસર
બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં અને દક્ષિણ શ્રીલંકા પાસે સક્રિય બીજું ડિપ ડીપ્રેશન ક્ષેત્ર છે. IMDનું કહેવું છે કે આ સિસ્ટમ પણ આગળ વધીને ડિપ્રેશનમાં બદલાઈ શકે છે, જેની સીધી અસર દક્ષિણ ભારતના હવામાન પર પડશે. આ ગતિવિધિના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે, અને આગામી દિવસોમાં તેની તીવ્રતા વધવાની શક્યતા છે. તમિલનાડુના ઘણા દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને તુતીકોરિનમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને અનેક જિલ્લાઓમાં શાળાઓ તથા કોલેજોમાં રજા જાહેર કરવી પડી હતી.
શું સેન્યાર વાવાઝોડાની અસર ગુજરાત પર થશે?
ચક્રવાત સેન્યાર બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું હોવાથી, તેની સીધી અને ગંભીર અસર ગુજરાત કે મહારાષ્ટ્ર પર થવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડાનો ગતિપથ પૂર્વીય અને દક્ષિણી દરિયાકાંઠા તરફ રહેવાની ધારણા છે. આથી, તેની સૌથી વધુ અસર આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પુડુચેરી જેવા રાજ્યો પર વર્તાશે, જ્યાં ભારે પવન અને અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જોકે, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમી રાજ્યો પર આ સિસ્ટમની દૂરવર્તી અસરના ભાગરૂપે વાતાવરણમાં આંશિક પલટો આવી શકે છે; જેમ કે, ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને ક્યાંક ક્યાંક કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડવાની શક્યતા છે, પરંતુ અહીં કોઈ મોટું ચક્રવાતી સંકટ નહીં સર્જાય.
આપણ વાંચો: પાકિસ્તાન પહેલા પોતાનું ધ્યાન રાખે! માનવાધિકાર ઉલ્લંઘનના નિવેદન પર ભારતનો વળતો જવાબ



