દિતવાહ વાવાઝોડાએ તમિલનાડુમાં તારાજી સર્જી; 3ના મોત, જન જીવન અસ્તવ્યસ્ત

ચેન્નઈ: દિતવાહ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ ભારે વરસાદ વરસવા શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ત્રણ જીલ્લામાં શાળા અને કોલેજો આજે બંધ રહેશે, લોકો કારણ વગર મુસાફરી ન કરવા અને સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.
ચેન્નઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જીલ્લાના કલેક્ટરોએ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે મંગળવારે રજા જાહેર કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની સલામતી માટે રજા જાહેર કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા, કારણ વગર મુસાફરી ટાળવા અને રાજ્ય સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓની સલાહનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
ગઈ કાલે સોમવારે રાજ્યના પાટનગર ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં આખી દિવસ સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં અને હાઇવે પર પાણી ભરાઈ ગયા હતાં, જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
પાકને ભારે નુકશાન:
ઉપરવાસમાં વરસાદને કારણે અદ્યાર, કોસસ્થલૈયાર અને અરનિયાર નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જે ને કારણે ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેન્નાઈ જિલ્લામાં પણ પૂરની ચેતવણી આપવામાં આવી છે. કાવેરી ડેલ્ટાના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકનો ભારે નુકશાન પહોંચ્યું છે.
મુખ્ય પ્રધાને વળતરની જાહેરાત કરી:
વાવાઝોડાને કારણે સર્જાયેલી તારાજીને ધ્યાનમાં રાખીને તમિલનાડુના મુખ્ય પ્રધાને વળતરની જાહેરત કરી છે. મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને જણાવ્યું કે તેમણે ઓક્ટોબરથી શરૂ થતા ઉત્તરપૂર્વીય ચોમાસા દરમિયાન ડાંગર સહિતના કૃષિ પાકોના નુકસાન, માનવ જીવન અને પશુધનના નુકસાન અને ઘરોને થયેલા નુકસાન માટે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (SDRF) માંથી તાત્કાલિક વળતરનો આદેશ આપ્યો છે.
X પર પોસ્ટ કરીને મુખ્ય પ્રધાને સ્ટાલિને કહ્યું, “હું પૂરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના કામ પર ધ્યાન રાખી રહ્યો છું. અમારી સરકાર રાહત શિબિરોમાં રહેતા લોકોને તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી રહી છે અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.”
આ પણ વાંચો…શ્રીલંકામાં 150નાં જીવ લીધા બાદ ‘દિતવાહ’ વાવાઝોડું તમિલનાડુ-પુડુચેરી પર ત્રાટકશે, તંત્ર હાઈ એલર્ટ પર



