પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણની લિંકના બહાને થઇ શકે છે સાયબર ક્રાઇમ, આ રીતે રાખો સાવધાની
Ayodhya Ram Mandirના ઉદ્ઘાટન પહેલા સાયબર ઠગ પણ સક્રિય થયા છે. પહેલા રામમંદિરમાં ફંડફાળો ઉઘરાવવાને બહાને સોશિયલ મીડિયા પર રોકડી કરી લેતા ઠગબાજો વિશેના સમાચારો વહેતા થયા હતા, અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઇવ પ્રસારણની લિંક પર ક્લીક કરવાની ઉશ્કેરણી કરતા મેસેજ ફરતા થયા છે. જે કોઇપણ વ્યક્તિ આ લિંક પર ક્લીક કરે તો તેના મોબાઇલ સહિત બેંક એકાઉન્ટ હેક કરવા સુધીની હેરાનગતિ થઇ શકે છે.
ગૃહ મંત્રાલયના આ અંગે વોર્નિંગ જાહેર કરી લોકોને ચેતવણી આપી છે કે Ram mandir Pran Pratishthaના લાઇવ પ્રસારણનો ઉલ્લેખ કરતી અજાણી લિંક ખોલવાનું જોખમ ન લેવું. સાયબર ઠગ વોટસએપ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ આ પ્રકારની લિંક મોકલાવી શકે છે. આવી અનેક લિંક પહેલેથી જ સક્રિય છે, જેવી તે લિંક ખોલો કે તરત જ વ્યક્તિની બેંક એકાઉન્ટ સહિતની માહિતી Cyber Criminals પાસે પહોંચી જાય છે અને વ્યક્તિ સાથે ઠગાઇ થઇ શકે છે.
સામાન્યપણે લિંકના માધ્યમથી સાયબર લુંટારૂઓ વ્યક્તિના ફોનનો એક્સેસ મેળવી લેતા હોય છે, જેથી તેની તમામ ગુપ્ત માહિતી, ફોટા-વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું એક્સેસ સહિતની તમામ વિગતો Cyber Criminalsને મળી જાય છે.
જો તમને કોઇ અજાણી લિંક મેસેજમાં મળે તો બેસ્ટ ઉપાય એ છે કે તાત્કાલિક એ મેસેજ ડિલીટ કરી દેવો, જેથી તમે અથવા કોઇપણ વ્યક્તિ તે લિંક ખોલે નહિ. ઘણીવાર ફેમિલી વોટ્સએપ ગૃપમાં પણ આવી લિંક ફોરવર્ડ થતી હોય છે, સગાવ્હાલા અને પરિચિત લોકોએ જ લિંક મોકલી હોવાથી વ્યક્તિ લિંક ખોલી પણ નાખતો હોય છે જો કે જેણે ફોરવર્ડ કરી છે તેને પણ પૂછી લેવું અને પૂરતી ચકાસણી સિવાય લિંક ઓપન કરવી નહી.
જો તમે સાયબર ક્રાઇમનો શિકાર થઇ ગયા છો, અને તમારા બેંક ખાતા પર સાયબર ઠગબાજે હાથફેરો કરી લીધો છે તો તમારી પાસે એક જ ઓપ્શન છે, પોલીસ પાસે જવાનું. સાયબર ક્રાઇમની હેલ્પલાઇન 1930 પર કોલ કરી અથવા Cyber Crimeના પોલીસ સ્ટેશનમાં જઇને તમે ફરિયાદ નોંધાવી શકો છો.