ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ

નવી દિલ્હી: ગુજરાત સહિત દેશમાં સાઈબર ફ્રોડના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. જાણે સાયબર ફ્રોડ આપણી રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય. જેમ જેમ ડિજીટલાઈઝેશન થઈ રહ્યું છે તેમ તેમ ફ્રોડ કરનારા નવી નવી યુક્તિઓ શોધી લોકોને છેતરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં ભારતમાં સાયબર ધૂતારાઓએ 22811 કરોડની ઠગાઈ કરી હોવાના અહેવાલ મળ્યા છે. આ રકમ માત્ર નોંધાયેલા કેસની જ છે. આ સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ સાયબર ગુના ધરાવતો દેશ બન્યો છે.
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર I4Cના અહેવાલ પ્રમાણે, 2024માં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર 19.18 લાખ ફરિયાદો નોંધાઈ, જેમાં 22,811.95 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એક અહેવાલ મુજબ, ભારતમાં મેલવેર હુમલાઓમાં 11%, રેન્સમવેરમાં 22%, IoT હુમલાઓમાં 59% અને ક્રિપ્ટો હુમલાઓમાં 409%નો વધારો થયો છે.
વધતા આંકડાઓની ચિંતા
2023માં 15.56 લાખ ફરિયાદોની સરખામણીએ 2024માં 19.18 લાખ ફરિયાદો નોંધાઈ. 2022માં 2,306 કરોડ અને 2023માં 7,496 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે 2024માં આ આંકડો ત્રણ ગણો વધ્યો. છેલ્લા ચાર વર્ષમાં લોકોએ 33,165 કરોડ રૂપિયા ગુમાવ્યા. અહેવાલ પ્રમાણે, 2024માં 82.6% ફિશિંગ હુમલા AI-જનરેટેડ હતા, અને QR કોડ આધારિત ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઠગાઈની નવી યુક્તિઓ અને સાવચેતી
સાયબર ગુનેગારો ખોટા વોટ્સએપ મેસેજ, પોસ્ટર્સ અને લિંક્સ દ્વારા લોકોને ફસાવે છે. QR સ્કેન કરી બેંક ડેટા ચોરાય છે. ખોટા પોલીસ અથવા ડિજિટલ અરેસ્ટ જેવી યુક્તિઓ પણ વધી છે. લોકોએ અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવું, OTP કે બેંક વિગતો શેર ન કરવી અને ડિજિટલ અરેસ્ટના નામે ધમકી આવે તો તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ.
આ પણ વાંચો…શાણા ગુજરાતીઓ કેમ બને છે સાઈબર ફ્રોડનો શિકાર, રોજના આટલા કેસ