CWC મીટિંગમાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં હારને મલ્લિકાર્જુન ખડગેને શું કહ્યું?
નવી દિલ્હીઃ તાજેતરમાં જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામમાં કૉંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. શુક્રવારે નવી દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિની બેઠક મળી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જવાબદારી નક્કી કરવામાં આવશે અને આકરા નિર્ણય લેવામાં આવશે તેમ કહ્યું હતું. તેમણે ઈવીએમને લઈ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને કૉંગ્રેસ તેની સામે જલદી દેશભરમાં આંદોલન શરૂ કરશે.
કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ઈવીએમએ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી દીધી છે. તેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય તેની ખાતરી કરવાનું ચૂંટણી પંચનું બંધારણીય કર્તવ્ય છે. કૉંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે દેશની રાજકીય સ્થિતિ પર ચર્ચા-વિચારણા કરી અને મહારાષ્ટ્ર તથા હરિયાણામાં પાર્ટીના ખરાબ કારણોની ચર્ચા કરી હતી. જેમાં અનેક નેતાએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો.
Also read: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામને કારણે ઇન્ડિયા ગઠબંધન ભાંગી પડશે! રાહુલ ગાંધી પર ગંભીર આરોપ
નેતાઓએ ચૂંટણી પરિણામોથી પદાર્થપાઠ લેવો પડશેઃ ખડગે
પાર્ટી પ્રમુખ ખડગેએ કહ્યું, ચૂંટણીમાં હારને ધ્યાનમાં રાખતા કઠોર નિર્ણય લેવામાં આવશે અને જવાબદારી નક્કી કરાશે. નેતાઓએ ચૂંટણી પરિણામોથી પદાર્થપાઠ લેવો પડશે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ઈવીએમએ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી દીધી છે. કૉંગ્રેસ પ્રમુખે પૂછ્યું કે, પાર્ટીના રાજ્ય નેતાઓ વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય નેતાઓ પર ક્યાં સુધી નિર્ભર રહેશે? આશરે સાડા ચાર કલાક સુધી ચાલેલી બેઠકમાં 81 નેતાએ હિસ્સો લીધો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું
રાહુલ ગાંધીએ ખડગેને પાર્ટીના ખરાબ પરિણામને ધ્યાનમાં રાખી આકરા નિર્ણય લેવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે ચૂંટણીને લઈ જવાબદારી નક્કી કરવાની વાત થઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધીએ ‘ખડગેજી… એકશન લો’ તેમ કહ્યું હતું.
Also read: “RSS-BJP નો હેતુ ભાગલાનો….” ભાજપ પર ખડગેના આકરા પ્રહાર…
ખડગેએ કૉંગ્રેસની અંદર ચાલતી આંતરિક ખેંચતાણને લઈ કહ્યું, હું વારંવાર આપ તમામને કહું છું તે પરસ્પર એકતાની કમી અને એકબીજા સામે નિવેદનબાજી આપણને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જ્યાં સુધી આપણે એક થઈને ચૂંટણી નહીં લડીએ, પરસ્પર એકબીજા સામે નિવેદનબાજીનો સિલસિલો બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણે વિરોધીઓને કેવી રીતે હરાવી શકીશું? તેમણે કહ્યું કે, પાર્ટીને પોતાના હરિફોના પ્રચાર અને ખોટી માહિતીનો અસરકારક રીતે મુકાબલો કરવા એક વ્યૂહરચના વિકસાવવી પડશે.
માહોલને પરિણામમાં બદલતા શીખવું પડશેઃ ખડગે
ખડગેએ એમ પણ કહ્યું, આપણે અનુશાસનનું કડક પાલન કરીએ તે મહત્વપૂર્ણ છે. પાર્ટી પાસે અનુશાસનનું પણ હથિયાર છે. મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કહ્યું, છ મહિના પહેલા લોકસભા ચૂંટણીમાં પણ માહોલ આપણા પક્ષમાં હતો. માત્ર માહોલ પક્ષમાં હોવાથી સીટ જીતવાની ગેરંટી નથી હોતી. આપણે માહોલને પરિણામમાં બદલતા શીખવું પડશે. માહોલનો ફાયદો ઉઠાવી નથી શકતાં તેનું શું કારણ છે?