લેહમાં કર્ફ્યુની જાહેરાત: લેફ્ટનન્ટ ગવર્નરે ષડ્યંત્રની શંકા વ્યક્ત કરી

લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને આજે હિંસકરૂપ ધારણ કર્યું છે. આજે પ્રદેશમાં ઠેરઠેર પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની હતી. ભીડને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતાં, અહેવાલ મુજબ પોલીસ કાર્યવાહીમાં 4 લોકોના મોત થયા છે. એવામાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે લેહ જિલ્લામાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે.
સ્થાનિક નેતાઓનો આરોપ છે કે સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકરીઓ સામે વધુ પડતો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. સોનમ વાંગચુક ઉપરાંત અન્ય સ્થાનિક નેતાઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ હિંસક અથડામણો પાછળ કોઈ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નરે ચેતવણી આપી કે આજની હિંસામાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: લદ્દાખમાં હિંસાથી સોનમ વાંગચુક દુઃખી; ઉપવાસ તોડીને યુવાનોને હિંસા રોકવા અપીલ કરી
અહેવાલ મુજબ ટોળાએ લદ્દાખમાં પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ભાજપ મુખ્યાલય પર ટોળાએ હુમલો કરી આગ લગાવી દીધી હતી, ત્યાર બાદ સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર પ્રદર્શનકરીઓના મોત થયા.
લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ કહ્યું, “જે લોકોએ વિરોધ પ્રદર્શનો ઉશ્કેર્યા હતા તેઓ આજે લદ્દાખમાં થયેલા મૃત્યુ માટે જવાબદાર છે. વાહનની અંદર સીઆરપીએફ જવાનોને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને લદ્દાખના ડીજીપીના વાહન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.”
પોલીસ સાથે અથડામણ અને ગોળીબાર દરમિયાન 70 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. સૂત્રોના જણાવ્યા મુજબ પથ્થરમારામાં ઘણા પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે.