ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સ સાયબર હુમલો: ₹ 378 કરોડનો ફટકો! | મુંબઈ સમાચાર
નેશનલ

ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સ સાયબર હુમલો: ₹ 378 કરોડનો ફટકો!

નવી દિલ્હીઃ ભારતીય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કોઈનડીસીએક્સ પર સાયબર હુમલો થયો હતો. જેના પરિણામે 44.2 મિલિયન ડોલર અથવા 378 કરોડ રૂપિયાની ચોરી થઈ છે.

જોકે કંપનીના સ્થાપકોએ ખાતરી આપી હતી કે ગ્રાહકોના ભંડોળની ચોરી થઈ નથી અને તેને સુરક્ષિત રાખવા માટે ‘એક્સ’ની મદદ લેવામાં આવી છે. આ ચોરી ફક્ત એક આંતરિક ઓપરેશનલ એકાઉન્ટ સુધી મર્યાદિત રહી હતી.

કંપનીએ આજે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈનડીસીએક્સ દ્ધારા કંપનીના ટ્રેઝરી રિઝર્વનો ઉપયોગ કરીને જોખમને હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, 19 જુલાઈના રોજ, સવારે 4 વાગ્યે કોઈનડીસીએક્સ સુરક્ષા સિસ્ટમોએ ભાગીદાર એક્સચેન્જ પરના તેના એક એકાઉન્ટમાં અનધિકૃત ઍક્સેસ સાથે સંકળાયેલી ઘટનાને શોધી કાઢી હતી જેના કારણે લગભગ 44 મિલિયન અમેરિકન ડોલરનું નાણાકીય જોખમ ઉભું થયું હતું.

આપણ વાંચો: ઇઝરાયલનો સાયબર અટેક: એક ઝાટકે ઈરાનની 781 કરોડથી વધુની રકમ થઈ ગુમ

આ ઘટનાએ ફરી એકવાર ક્રિપ્ટોકરન્સીની અત્યંત અસ્થિર દુનિયામાં વધતા સુરક્ષા જોખમો પર પ્રકાશ પાડ્યો હતો. ગયા વર્ષે ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સે ભારતમાં હેકર્સના હુમલાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે 230 મિલિયન અમેરિકન ડોલરથી વધુનું નુકસાન થયું હતું અને ભારતમાં આવી સૌથી મોટી ચોરીઓમાંની એક હતી. આ ચોરીના કારણે સલામતીના પગલાંની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હતી.

કોઈનડીસીએક્સના સહ-સ્થાપક સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલે પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કર્યો હતો અને પુષ્ટી કરી હતી કે આ હુમલો એક જટિલ સર્વર ઉલ્લંઘનનું પરિણામ હતું, જે ગ્રાહકોની સંપત્તિ રાખતા વોલેટ પર નહી પરંતુ એક આંતરિક વોલેટને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. આ ઘટના સૌપ્રથમ બ્લોકચેન તપાસકર્તા ઝેકએક્સબીટી દ્વારા નોંધાઈ હતી, ત્યારબાદ એક્સચેન્જે આ ખુલાસો જાહેર કર્યો હતો.

આપણ વાંચો: અમેરિકાના પાકિસ્તાન તરફી નરમ વલણ મુદ્દે મોટો ખુલાસો, ડોનાલ્ડ ટ્રમ્પ અને અસીમ મુનીરની સિક્રેટ ડીલ ચર્ચામાં

ગુપ્તાએ જણાવ્યું હતું કે આજે અમારા આંતરિક ઓપરેશનલ એકાઉન્ટ્સમાંથી એક જે ફક્ત ભાગીદાર એક્સચેન્જ પર લિક્વિડિટી પ્રોવિઝનિંગ માટે ઉપયોગમાં લેવાય છે એક અત્યાધુનિક સર્વર ભંગને કારણે ચેડા કરવામાં આવ્યા હતા.

હું પુષ્ટી કરું છું કે ગ્રાહક સંપત્તિનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા વોલેટ્સ પર કોઈ અસર થઈ નથી અને તે સંપૂર્ણપણે સલામત છે. આનાથી અમારા ગ્રાહકોને કોઈ નુકસાન થશે નહીં. અમારી ટ્રેઝરી સંપત્તિમાંથી કુલ 44 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. કોઈનડીસીએક્સ ટ્રેઝરી આ નુકસાન ભોગવશે

ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે. બે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સીઓ સાથે વિગતવાર ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે અને જાહેર લાભ માટે અહેવાલો શેર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે અમારી સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રહે છે. ટ્રેડિંગ પ્રવૃત્તિ, આઇએનઆર ડિપોઝિટ અને આઇએનઆર ઉપાડ કરી શકાય છે.

સોશિયલ મીડિયા પણ લોકોએ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ નુકસાન ભોગવવા બદલ કંપનીની પ્રશંસા કરી હતી. જ્યારે અન્ય લોકોએ ભારતમાં ક્રિપ્ટો પ્લેટફોર્મની વ્યાપક સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button